INS વિરાટમાં આગ લાગતાં નેવીના એન્જિ‌નિયરનું મોત

નવી દિલ્હી: આઈએનએસ વિરાટમાં ગઈકાલે એકાએક આગ લાગતા એક નેવી એન્જિનીયરનું મોત થયુ છે અને અન્ય ત્રણને ઈજા થઈ છે. જ્યારે હિમાચલ પ્રદેશના ચંબામાં રાવી નદીમાં અચાનક પાણી વધી જતા બે જવાન તણાઈ જતા તેમના મોત થયા છે.

રવિવારે બપોરે આઈએનએસ વિરાટ તેના રૂટીન કાર્યક્રમ મુજબ ગોવા તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન તેના એક બોઈલર રૂમમાં તાપમાન વધી જતાં એકાએક આગ લાગી ગઈ હતી. જોકે આ અંગે જાણ થતાં આગ પર તાત્કાલિક અંકુશ મેળવી લેવામાં આવ્યો હતો. પરંતુ આ ઘટના વખતે ત્યાં હાજર રહેલા ચાર નાવિકને ઈજા થઈ હતી. તેમાંથી ગંભીર રીતે ઘવાયેલા એક ચીફ એન્જિનીયર-મિકેનીક આશુ સિંહને ગોવાની નેવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં હાર્ટએટેકથી તેનું મોત થયું હતુ. જ્યારે બાકીના અન્ય ત્રણ નાવિકની સારવાર ચાલી રહી છે. તેઓની હાલત સુધારા પર હોવાનું જણાવાઈ રહ્યુ છે.

આઈએનએસ વિરાટ છેલ્લાં 60 વર્ષથી દરિયાઈ સરહદની સિક્યોરીટી કરી રહ્યું છે. આ એક અરક્રાફ્ટ કેરિયર છે. તેને આ વર્ષના અંત સુધીમાં રિટાયર્ડ કરવાનું આયોજન છે. નેવીના જણાવ્યા અનુસાર બોઈલર રૂમમાં તાપમાન વધી જતા તેમાં આગ લાગી હતી. જોકે આ ઘટનામાં આગ પર તાત્કાલિક અંકુશ આવી જતાં આઈએનએસ વિરાટ ઝડપથી મુંબઈ પરત ફરે તેવી આશા છે. આઈએનએસ વિરાટને ટૂંક સમયમાં જ તેની સેવામાંથી હટાવી લેવામાં આવે તેવા અહેવાલ છે.

રાવી નદીમાં બે જવાન તણાયા
હિમાચલ પ્રદેશના ચંબામાં રાવી નદીમાં પાણીની સપાટીમાં એકાએક વધારો થતાં અેરફોર્સના બે જવાન તેમાં તણાઈ જતાં તેમના મોત થયા છે. આ જવાન પઠાણકોટ એરબેઝમાં ફરજ બજાવતા હતા. તેમાંથી એક જવાન મેરઠનો રહીશ કોરપોરલ નીતેશ મિશ્રા (ઉ.વ.26) અને બીજો જવાન જયપુરનો કોરપોરલ શકિતસિંહ (ઉ.વ.30) હોવાનું જાણવા મળે છે. જ્યારે ત્રણ અન્ય ઈજાગ્રસ્ત જવાનોમાં નવલ પાંડે, નવીન શર્મા અને ગજેન્દ્ર સિંહને ચંબાની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

You might also like