ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં થયેલા આતંકી હુમલામાં નવસારીના જુનૈદનુંં મોત

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: ન્યૂઝીલેન્ડના ગઈ કાલે ક્રાઇસ્ટચર્ચમાં બે મસ્જિદોમાં થયેલા આતંકી હુમલામાં નવસારી નજીકના અડદા ગામના જુનૈદનું મૃત્યુ થયું છે. તેને પણ અંધાધૂંધ ગોળીબારમાં ઘણી ગોળી વાગી હતી અને સ્થળ પર જ તેનું મોત થયું હતું. જ્યારે મૂળ વડોદરાના પિતા-પુત્ર પણ લાપતા થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે.

ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં આવેલ બે મસ્જિદ પૈકી અલ નૂર મસ્જિદ તેમજ લિનવૂડ મસ્જિદમાં થયેલી આતંકી હુમલાએ આખા વિશ્વને હચમચાવી નાંખ્યું છે. ચાલુ નમાજ દરમિયાન આતંકીઓ દ્વારા ટ્વિટર એફ-બી ઉપર લાઇવ રેકોર્ડિંગ સાથે કરેલા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બ્રશ ફાયરિંગમાં ૫૦થી વધુનાં મોત નીપજ્યાં હતાં. ગુજરાતના ઘણા લોકો આ ઘટનાનો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે.

ભરૂચ, વડોદરા અને આણંદમાં રહેતા લોકો પણ ભોગ બન્યા છે. નવસારી નજીક અડદાના રહીશ તેમજ ૧૦ વર્ષથી ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયેલા ૩૫ વર્ષીય જુનૈદ યુસુફ કારા ગઈકાલે મસ્જિદમાં નમાજ પઢવા માટે ગયા હતા. તેઓ અલ્લાહની ઇબાદતમાં મગ્ન હતા ત્યારે જ ગોળી વાગી અને મોતને ભેટયા હતા. આ ઉપરાંત માંગરોળ તાલુકાના લુહારાના હાફીઝ મુસા પટેલ પણ હુમલાનો ભોગ બન્યા હતા. ક્રાઇસ્ટચર્ચની લિનવૂડ મસ્જિદમાં મૌલવી તરીકે સેવા આપતા હાફીઝ મુસા પટેલ પણ ઉપરોક્ત ફાયરિંગમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બીજી બાજુ આ હુમલામાં મૂળ વડોદરા આરિફ વોરા અને તેમના પુત્ર રમિઝ વોરા લાપતા થયા છે. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ધાનાની પાર્કમાં રહેતાં ૫૮ વર્ષીય આસિફ મહંમદભાઇ વોરાના ૨૮ વર્ષીય પુત્ર રમિઝ વોરાઅને તેમની પત્ની ખુશબૂ થોડાં વર્ષ અગાઉ ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયાં હતાં. રમિઝ વોરા ન્યૂઝીલેન્ડમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ખુશબૂ ગર્ભવતી હોવાથી આસિફભાઇ અને તેમનાં પત્ની રૂકસાના થોડા સમય પહેલાં ન્યૂઝીલેન્ડ ગયાં હતાં.

લગભગ ૬ દિવસ અગાઉ જ ખુશબૂએ બાળકીને જન્મ આપ્યો હતો. રૂકસાનાબહેન ખુશબૂ સાથે હોસ્પિટલમાં જ છે. આસિફભાઇ અને પુત્ર રમિઝ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની મસ્જિદમાં શુક્રવારની નમાજ અદા કરવા ગયા હતા. તો આણંદનો ૨૧ વર્ષનો સિવિલ એન્જિનિયર મસ્જિદના મિમ્બર પાછળ સંતાઇ જતાં તેનો આબાદ બચાવ થયો હતો. તેવી જ રીતે ભરૂચના લુવારા ગામનો રહીશ હાફિઝ મુસા ગંભીર રીતે ઘાયલ થયો હોવાની વાત આવી છે.

You might also like