નવરાત્રિ શા માટે?

નવરાત્રિના દિવસો એટલે શક્તિની ઉપાસના કરવાના દિવસો. જગતની અંદર કોઇ પણ નૈતિક મૂલ્યો કેવળ સારાં છે તેથી ટકતાં નથી, પરંતુ તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેમની પાછળ સમર્થ લોકોની તપશ્ચર્યાનું પીઠબળ હોવું જરૂરી છે. જગતમાં તપશ્ચર્યાને યશ મળે છે- એ વાત સત્યના ઉપાસકોએ ભૂલવી ન જોઇએ. તપશ્ચર્યાના બળથી જગતમાં ઘણીવાર અસત્ મૂલ્યો પણ વિજયી થયાં છે, એ વાત આપણને ઉપરોક્ત સત્યની ઝાંખી કરાવે છે. નબળા લોકોનાં સત્ય, સંસ્કાર કે સંસ્કૃતિને કોઇ જ પૂછતું નથી.
આસો મહિનામાં આ નવરાત્રિ ઉત્સવ માટે એક પૌરાણિક કથા પ્રસિદ્ધ છે. મહિષાસુર નામનો એક રાક્ષસ અતિ પ્રભાવી થયો હતો. તેણે પોતાના સામર્થ્યના જોરે બધા જ દેવો તેમજ મનુષ્યોને ત્રાહિમામ્ પોકારતા કરી મૂક્યા હતા. દૈવી વિચારોની પ્રભા ઝાંખી થઇ હતી અને દૈવી લોકો ભયગ્રસ્ત બન્યા હતા. હિંમત હારી ગયેલા દેવોએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની આરાધના કરી. દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા આદ્ય દેવો મહિષાસુર પર ક્રોધે ભરાયા. તેમના પુણ્ય પ્રકોપમાંથી અેક દૈવી શક્તિ નિર્માણ થઇ. બધા દેવોએ જયજયકાર કરી તેની વધાવી, તેનું પૂજન કર્યું, તેને પોતાનાં દિવ્ય આયુધોથી મંડિત કરી. આ દૈવી શક્તિએ નવ દિવસના અવિરત યુદ્ધ પછી મહિષાસુરે હણ્યો, આસુરી વૃત્તિને ડામી દૈવી સંપત્તિની પુનઃસ્થાપના કરી, દેવોને અભય આપ્યું. આ દૈવી શક્તિ તેજ આપણી જગદંબા. આ દિવસોમાં મા પાસે સામર્થ્ય માગવાનું તેમજ આસુરી વૃત્તિ પર વિજય મેળવવાનો. આજે પણ મહિષાસુર પ્રત્યેક હૃદયમાં પોતાનું સ્થાન જમાવી બેઠો છે અને અંદર રહેલી દૈવી વૃત્તિને ગૂંગળાવી રહ્યો છે. આ મહિષાસુરની માયાને ઓળખવા તેમજ તેની આસુરી નાગચૂડમાંથી મુક્ત થવા જરૂર છે દૈવી શક્તિની આરાધનાની! નવે નવ દિવસ અખંડ દીપ પ્રગટાવી મા જગદંબાની પૂજા કરી તેની પાસેથી શક્તિ મેળવવાના દહાડા તે જ નવરાત્રિના દહાડા!
આપણી ભ્રાંત સમજણ છે કે અસુર એટલે મોટા દાંતવાળો, મોટા નખવાળો, લાંબા વાળવાળો, મોટી આંખોવાળો કોઇ ભયંકર રાક્ષસ! ખરું જોતાં અસુર એટલે ‘અસુષુ રમન્તે ઇતિ આસુરાઃ’ પ્રાણોમાં રમમાણ થનારો, ભોગોમાં જ રમમાણ થનારો. તેમજ મહિષ એટલે પાડો, અને એ રીતે જોતાં પાડાની વૃત્તિ જોતો હોય છે. સમાજમાં આજે આ પાડાની વૃત્તિ ફાલતી જાય છે. પરિણામે આખો સમાજ સ્વાર્થી, પ્રેમવિહીન અને ભાવનાશૂન્ય બન્યો છે. સમાજમાં આજે વ્યક્તિવાદ અને સ્વાથૈકપરાયણતા અમર્યાદ બનીને મહિષાસુર રૂપે નાચતાં રહેલા છે. આ મહિષાસુરને નાથવા મા પાસે સામર્થ્ય માગવાના દિવસો એટલે નવરાત્રિના દિવસો!
શક્તિ ઉપાસનાનું નવરાત્રિમાં મહત્ત્વ
આપણા વેદોએ પણ શક્તિની ઉપાસનાને ખૂબ જ મહત્વ આપ્યું છે. મહાભારતનું પાનેપાનું બલોપાસના તેમજ શૌર્ય પૂજાથી ભરેલું છે. વ્યાસ, ભીષ્મ અને કૃષ્ણનાં બધાં જ વ્યાખ્યાનો તેજ, ઓજ, શૌર્ય, પૌરુષ અને પરાક્રમથી અંકિત થયેલાં દેખાય છે.  મહર્ષિ વ્યાસે પાંડવોને શક્તિ ઉપાસનાનું મહત્ત્વ સમજાવ્યું છે. તેમણે પાંડવોને શિખામણ આપી છે કે તમારે જો ધર્મનાં મૂલ્યો ટકાવવાં હોય તો હાથ જોડી બેસી રહે નહીં ચાલે, શક્તિની ઉપાસના કરવી પડશે. અર્જુનને દિવ્ય અસ્ત્ર મેળવવા તેમણે જ સ્વર્ગમાં જવાનું સૂચન કર્યું હતું.
મહર્ષિ વ્યાસના આ ઉપદેશને મહાકવિ ભારવિએ પોતાના કાવ્યમાં સરસ રીતે ગૂંથી લીધો છે.
‘તમારે સામર્થ્યથી, પરાક્રમથી પૃથ્વીને જીતવાની છે. શત્રુપક્ષ સામર્થ્યમાં અને શસ્ત્રાસ્ત્રમાં તમારાથી વધુ બળવાન છે. તમારે વધુ સામર્થ્યશીલ બનવાનું છે, કારણ કે જે વધુ સામર્થ્યશીલ અને વધુ સાધનસંપન્ન હોય તેને જ યુદ્ધમાં વિજય મળે છે.’ અનાદિ કાળથી સદ્ધિચારો ઉપર, દૈવી વિચાર ઉપર આસુરી વૃત્તિ હુમલો કરતી આવી છે અને દૈવી વિચાર અગવડમાં આવતાં જ દેવોએ ભગવાન પાસે શક્તિ માગી, સામર્થ્ય માગ્યું અને આસુરી વૃત્તિનો પરાભવ કર્યો. ફક્ત સદ્ધિચાર હોવા એ પૂરતું નથી. તેનું રક્ષણ થવું પણ જરૂરી છે અને તે માટે શક્તિની ઉપાસના આવશ્કય છે.
આજે ભારત થોડું નિર્બળ થયેલું દેખાય છે કારણ કે વેદોએ ઉપદેશેલી અને મહાભારતે આદેશેલી શક્તિ ઉપાસનાની તેણે અવગણના કરી છે. વ્યાસ અને કૃષ્ણના જીવંત અને શક્તિવર્ધક વિચારોનું યથોચિત પાલન આજે રશિયા, અમેરિકા, જર્મની તેમજ જાપાનમાં થતું જોવા મળે છે. પરિણામે તે રાષ્ટ્રો ઉત્તરોત્તર સંપન્ન અને સમૃદ્ધ બનતાં જાય છે.
આપણે પણ આળસને ખંખેરી, ક્ષણિક પ્રમાદને આદ્યો કરી, પુનઃ શક્તિની ઉપાસના શરૂ કરવી જોઇએ. એ વાત ધ્યાનમાં રાખી નવરાત્રિના દિવસોમાં દૈવી વિચારના લોકોનું સંગઠન સાધવાનો પ્રયત્ન કરવો જોઇએ. એ સંગઠનમાં પ્રમુખ સ્થાને જગદંબા રહેશે અને એની ભક્તિથી જ આપણામાં શક્તિ પ્રગટશે એ સૂચવવા જ નવરાત્રિના દિવસો દરમ્યાન ગરબા કે રાસરૂપે માની આસપાસ ઘૂમવાનું હોય છે. માની આસપાસ ફરતાં ફરતાં મા પાસેથી માગવું જોઇએ કે, મા, તું અમને સદ્બુદ્ધિ આપ, અમને સંઘબળ આપ. અમારા સંઘબળ આડે અમારો અહંકાર આવે છે, અમારી પાડાવૃત્તિ આવે છે, અમારો દ્વેષ આવે છે તેને તું ખાઇ જા.
આ દિવસોમાં એકત્રિત થઇ માનું સ્તવન ગાશું, તેની પ્રાર્થના કરી માગીશું
‘મા, અમારી બુદ્ધિ કુંઠિત થઇ છે, અમે સદ્-અસદ્નો વિવેક ભૂલ્યા છીએ. અમને બુદ્ધિ શક્તિ આપ.’
‘મા, અમે શ્રદ્ધાહીન થયા છીએ. શ્રદ્ધાનું પાથેય બુદ્ધિની ચાપલૂસીમાં ખલાસ કર્યું છે. અમને કોઇમાં શ્રદ્ધા નથી. અમારી જાતમાં પણ શ્રદ્ધા નથી. શ્રદ્ધાસ્વરૂપિણી મા, અમને શ્રદ્ધાનું પાથેય આપ.’
‘મા, અમે શક્તિહીન થયા છીએ, અમર્યાદિત ભોગો ભોગવીને અમે ગલિતવીર્ય થયા છીએ. મા, તું શક્તિ આપ, બળ આપ. તું શક્તિ આપશે તો જ આસુરી વૃત્તિનો પરાભવ કરી શકાશે.’
મા જગદંબાની આપણી આ ઉપાસના નવરાત્રિમાં શરૂ થાય, પરંતુ માત્ર નવ દિવસ પૂરતી સીમિત ન રહે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ક્ષણેક્ષણની શક્તિ ઉપાસના આપણને જડવાદથી ઘેરાયેલો જગતમાં ઊભા રહેવાની તાકાત બક્ષશે. આવું શક્તિસંપન્ન જીવન માને ચરણે ધરવું જોઇએ. જગદંબાની આસપાસ ફરતાં ફરતાં સાચા ભાવથી પ્રાર્થના કરવી જોઇએ. કે, ‘મા! હું તારું કામ કરીશ, તું મને શક્તિ આપ.’
સંક્ષેપમાં કહેવું હોય તો નવરાત્રિના દિવસો એટલે શક્તિની ઉપાસનાના દિવસો, ‘મા’ની પૂજાના દિવસો, ‘ખાઓ, પીઓ અને મજા કરો’ એવી આસુરી વિચારશ્રેણી પર વિજય મેળવવાના દિવસો, સંઘશક્તિનું મહત્વ અને એકતાનો સંદેશ સુણાવતા દિવસો! આ દિવસોમાં વહેતો રહેલો સાધનાનો સૂર પકડી લઇએ અને જીવનને સમર્પણ સંગીતથી ભરી દઇએ. •

You might also like