નવરાત્રિમાં પણ ઊખડખાબડ રસ્તાઓથી મુક્તિ નહીં મળે

અમદાવાદ: ગત ઓકટોબર ર૦૧પમાં ભાજપને સતત ત્રીજી વખત કોર્પોરેશનમાં સત્તાનાં સૂત્ર સોંપનાર મતદારોનાં મનમાં ભાજપને શાસનના દીર્ઘકાલીન અનુભવથી શહેરના પ્રશ્નોની સમજણના કારણે વર્ષો વર્ષથી રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટલાઇટમાં પડતી હાલાકીમાં રાહત મળશે તેવી ગણતરી હતી, પરંતુ આવું કશું જ થયું નથી. નવી ટર્મને ચૂંટાઇને આવ્યાને હવે એક વર્ષ થશે તેમ છતાં નાગરિકોની સમસ્યા યથાવત્ છે. જેના કારણે શાસક પક્ષ દ્વારા આ વખતે પણ નવરાત્રોત્સવ દરમિયાન શહેરીજનોને ઊબડખાબડ રસ્તાની ભેટ મળવાની છે.

છેલ્લાં પાંચ-સાત વર્ષથી દશેરાથી રસ્તા રિપેરિંગના કામો હાથ ધરાય છે. રિપેરિંગની આ જૂની પેટર્ન નાગરિકોમના કમનસીબે જળવાઇ રહેવાની છે. આમાં મીનમાત્રનો ફેરફાર થવાનો નથી. એટલે ચાલુ વર્ષે નવરાત્રોત્સવમાં એક દિવસ વધુ હોવા છતાં રસ્તા રિપેરિંગનું ઘોડું તો દશેરાના દિવસે જ દોડશે. કેમ કે કોન્ટ્રાકટરોના હોટમિક્સ પ્લાન્ટ વહેલા ચાલુ થાય તેમ નથી. તેમજ શાસકો હવામાનની વરસાદની આગાહીનંું કારણ પણ આગળ ધરી રહ્યા છે. શાસકો કહે છે કે દશેરાથી પેવરનાં કામો શરૂ કરાશે. અત્યારે તો પેચવર્કનાં કામો (રોડને ઊંચા-નીચા થીંગડાં મારવાનાં!) કામ ચાલી રહ્યાં છે.

You might also like