નવમાં નોરતાં સુધી વરસાદના હળવાંથી ભારે ઝાપટાં ચાલુ રહેશે

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાનખાતાએ અમદાવાદ સહિત રાજ્યભરમાં નવરાત્રીના નવેય દિવસ સહિત ૧૦ ઓકટોબર સુધી હળવા વરસાદની આગાહી કરતાં ગરબા આયોજકોના જીવ તાળવે ચોંટ્યા છે, કારણ કે આજે સવારથી જ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાનો શરૂ થયો છે. આજે વહેલી સવારથી વરસાદના શરૂઆતના વિરામ બાદ હમણાં ફરી વરસાદ ફરી તૂટી પડશે તેવો માહોલ સર્જાતાં ખેલૈયાઓએ આજે નિરાશ થવું પડશે. નવરાત્રીની શરૂઆતમાં જ હાથિયા નક્ષત્રએ સૂંઢ ફેરવતાં ખેલૈયાઓના ગરબા રમવાના રંગમાં ભંગ પડ્યો છે. શરૂઆતનાં બે-ત્રણ નોરતાંમાં નવરાત્રીના રાસ-ગરબાનાં આયોજન શરૂ થયાં હતાંં, પરંતુ સર્વત્ર વરસાદ ચાલુ રહેતાં ગરબા આયોજકોના શ્વાસ અધ્ધર થઇ ગયા છે.

હવામાનખાતાની આગાહી મુજબ સમગ્ર નોરતાં દરમ્યાન વરસાદની શક્યતા જાહેર થવાના પગલે આયોજકો કાર્યક્રમો ચાલુ રાખવા કે કેમ તે બાબતે અસમંજસમાં પડ્યા છે. રવિવારે ઠેકઠેકાણે શહેરમાં રસ-ગરબા રદ કરવાની નોબત આવી હતી. ગઇ કાલે મેઘરાજાની ગેરહાજરીના પગલે ખેલૈયા મન મૂકીને નાચ્યા હતા. હવે બાકીનાં નોરતાં સારાં જશે તેવી ખેલૈયા અને આયોજકોને આશા જાગી હતી પણ તેના પર વહેલી સવારે પડેલા વરસાદે સવારથી જ આજના આયોજન પર પાણી ફેરવી દીધું છે. ખેલૈયા અને આયોજકો ઉપરાંત ફૂડ સ્ટોલધારકોની ચિંતા વધી ગઇ છે.

સિઝનલ પાસ લેનારા લોકો પણ ગરબા થશે કે નહીં તેવી પૂછપરછ કરતા થયા છે. હવામાનખાતા દ્વારા આજથી હજુ છ દિવસ એટલે કે ૧૦ ઓકટોબર સુધી વરસાદની આગાહી થઇ છે.  અમદાવાદ શહેરમાં ર ઇંચથી વધુ વરસાદ પડ્યા બાદ આજે વહેલી સવારે વરસાદનાં ઝાપટાં વરસ્યા બાદ વાતાવરણમાં ઠંડક સાથે ખુશનુમા હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો છે. રાજ્યભરમાં ૧ થી ૭ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વરસાદે પણ નોરતાંમાં વરસવાનું અનુષ્ઠાન માંડ્યું છે.

મહારાષ્ટ્રમાં ઉદ્ભવેલા અપર સર્ક્યુલેશનથી ગુજરાતમાં ફરીથી ચોમાસાનાં મંડાણ શરૂ થયાં છે. જે ૧૦મી સુધી રહેશે. સ્થાનિક હવામાન કચેરીએ આગામી ૧૦મી સુધી હળવા વરસાદની આગાહી કરી છે, જ્યારે અમદાવાદ શહેરમાં આજે દિવસભર વાદળછાયા વાતાવરણ ઉપરાંત છૂટાછવાયા વિસ્તારમાં ભારેથી હળવા વરસાદની આગાહી કરાઈ છે.

You might also like