નવરાત્રિનું મહત્વ: નવ દિવસ અનુષ્ઠાન કરવાથી માના મળે છે આશીર્વાદ…

નવરાત્રિના નવ દિવસ રાત માનું પૂજન અર્ચન કરવાથી જે તે સાધક ઉપાસકમાં આત્મશક્તિનો વિકાસ થાય છે. નવરાત્રિમાં દુર્ગા સપ્તશતી, દેવીપુરાણ રામચરિતમાનસ વગેરે ગ્રંથનું સાવધાનપૂર્વક પઠન કરવાથી સૃષ્ટિ ઉપર સતત ઝળુંબી રહેવી ભયાનક આપત્તિઓ જેવી કે ભૂકંપ, ભૂસ્ખલન, અતિવૃષ્ટિ વગેરેનો નાશ કરી શકાય છે. વ્યક્તિગત ઉપાસનાથી પણ જે તે સાધક ઉપાસકને અનન્ય લાભ તો મળે જ છે તે છતાં તેમાંથી પણ કેટલોક અંશ તો સાવ અચાનક જ જગત કલ્યાણના કાર્યમાં વપરાય જ છે.

આ જગતમાં જે સૌથી પાપીમાં પાપી હોય તે પણ નવરાત્રિના નવ દિવસ રાત માનું પૂજન અર્ચન કરી માની કૃપાદૃષ્ટિ જરૂર પામી શકે છે. આપણા અનેક પ્રાચીન ગ્રંથમાં એવા અદ્ભૂત મંત્ર તંત્ર યંત્ર છે જેનું યોગ્ય માર્ગદર્શન નીચે અનુષ્ઠાન કરવાથી જે તે સાધક કે ઉપાસક પોતાની તમામ શુભ ઈચ્છા તેના પ્રતાપે પાર પાડી શકે છે. નવરાત્રિ માત્ર ઉત્સવ નથી પરંતુ આ નવ રાતમાં જે તે સાધક કે ઉપાસક તેના યોગ્ય ઉપયોગ દ્વારા પોતાના ઉત્તમ ધ્યેયને સારી રીતે પૂર્ણ કરી શકે છે એટલું જ નહીં તે તેના અંતિમ ધ્યેય તરફ ખૂબ ઝડપથી આગળને આગળ વધી શકે છે

નવરાત્રિના પ્રથમ નોરતે શુદ્ધ ઘી માને સમર્પિત કરવાથી આરોગ્ય પ્રાપ્ત થાય છે. નવરાત્રિના બીજા નોરતે ખાંડનો પ્રસાદ ધરાવવાથી દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. નવરાત્રિના ત્રીજે નોરતે પૂજન અર્ચનમાં દૂધ ધરાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. નવરાત્રિના ચોથા નોરતે માનું પૂજન અર્ચન કરી માલપૂઆ ધરાવવાથી સદ્બુદ્ધિ પ્રાપ્ત થાય છે. નવરાત્રિના પાંચમે નોરતે કેળાંનો પ્રસાદ માને ધરાવવાથી અસાધારણ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. છઠ્ઠે નોરતે માને પ્રસાદમાં મધ અર્પણ કરવાથી સુંદરતા પ્રાપ્ત થાય છે. નવરાત્રિના સાતમે નોરતે માને પ્રસાદમાં ગોળનું નૈવેધ અર્પણ કરવાથી આકસ્મિક આવી પડતી આપત્તિ દૂર થાય છે. નવરાત્રિના આઠમા નોરતે માને પ્રસાદમાં શ્રીફળ અર્પણ કરવાથી સંતાનની રક્ષા થાય છે. નવરાત્રિના નવમા નોરતે માને પ્રસાદમાં કાળા તલ આપવાથી અકાળ મૃત્યુ તથા આધિ વ્યાધિ ઉપાધિથી રાહત મળે છે. વળી તમામ રીતે સાધક કે ઉપાસક સુખ પ્રાપ્ત કરી શકે છે.•

You might also like