બોલિવૂડનાં હિટ ગીતોનાં સ્ટેપ્સ અને નવ દિવસના નવ કલર કોડ

અમદાવાદ: ગરબાની રમઝટ બોલાવતું મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિ ૧ ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે. આ મહાપર્વ પૂર્વે છેલ્લા બે મહિનાથી યુવાનો પ્રાચીન અને અર્વાચીન ગરબાના નવાં નવાં સ્ટેપ્સ શીખવા પરસેવો પાડી રહ્યા છે. રાસ ગરબાની રમઝટ બોલાવવા તલવાર રાસ, ટીય્યણી, એરોબિક્સ, રામલીલા, રંગત સહિતના સ્ટેપ્સ યુવાનો શીખી રહ્યા છે. જેમ જેમ નવરાત્રિના દિવસો નજીક આવે છે તેમ તેમ ગરબા કલાસીસમાં ખૈલેયાઓની સંખ્યા અવનવા સ્ટેપ શીખવા વધતી જાય છે. ખાસ કરીને ‘કાલા ચશ્માં’ ગીત ગરબામાં હોટ ફેવરિટ રહ્યું છે. પ્રાચીન અને અર્વાચીન ગરબા સાથે હિન્દી ગીતો પર ખેલૈયાઓ ૪ તાળી મિક્સથી શરૂ કરીને ૩૮ સ્ટેપ્સ સુધીના ગરબા શીખી રહ્યા છે એટલું જ નહીં ઘુમ્મર, રંગત, વેર્સ્ટન સ્ટાઈલ અને એરોબિક્સ તો ખરું જ.

ગરબા કલાસીસમાં માત્ર યુવાનો જ નહીં પચાસી વટાવી ચૂકેલા વડીલો પણ ગરબા શીખી રહ્યા છે. કેટલાક પાર્ટી પ્લોટમાં સ્પેશિયલ ગ્રૂપને આમંત્રિત કરવામાં આવે છે તેમાં આ વર્ષે ‘બાજીરાવ મસ્તાની’થી પ્રેરિત તલવાર રાસની બોલબાલા છે. સાથે ગ્રૂપ દ્વારા હુંડો રાસ, ઘુમ્મર પણ તૈયાર થઈ રહ્યા છે.

ગરબા નૃત્ય મહોત્સવને સારી રીતે વધાવવા દર વર્ષે ખેલૈયા ગરબામાં કંઈક ને કંઈક ઈનોવેટિવ સ્ટાઈલ રજૂ કરે છે ત્યારે આ વર્ષે ‘બાર બાર દેખો’ ફિલ્મનું સોંગ કાલા ચશ્માં ગરબામાં ધૂમ મચાવશે. કલાસીસમાં ખેલૈયાઓ આ સ્ટાઈલ શીખતી વખતે કાળા ચશ્માં પહેરીને પ્રેક્ટિસ કરી રહ્યા છે.ખેલૈયાઓએ નવરાત્રિના નવ રંગની પસંદગી પણ કરી લીધી છે તે મુજબ પહેલા દિવસે – લાઈટ એન્ડ પેસ્ટલ કલર, બીજા દિવસે – આેરેન્જ, ત્રીજા િદવસે – વ્હાઈટ, ચોથા દિવસે – લાલ, પાંચમા દિવસે – બ્લૂ, છઠ્ઠા દિવસે – યલો, સાતમા દિવસે – ગ્રીન, આઠમા દિવસે – મોરપીંછ અને નવમા દિવસે પર્પલ. શહેરમાં ૫૦૦થી વધુ સ્થળોએ ગરબા કલાસીસ ચાલી રહ્યા છે. જૂના અને હંમેશાં લોકપ્રિય દોઢિયું, અઢિયું, પંચીયું જેવા સ્ટેપ હજુ પણ સદાબહાર છે. ડ્રેસમાં ટીકા-ટીકી-પાઘડી, છત્રી વગેરે એટલા જ લોકપ્રિય.

You might also like