શહેરમાં સમગ્ર નવરાત્રિ દરમિયાન વરસાદનું વિઘ્ન ખાસ નહીં નડે

અમદાવાદ: ગઇ કાલથી શરૂ થયેલાં નોરતાંમાં ધીમેધીમે રંગત આવશે. યુવાધનમાં નવરાત્રિમાં મહાલવાનો ઉત્સાહ પૂરબહારમાં ખીલી ઉઠ્યો છે. સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ નોરતાને વરસાદનું વિઘ્ન નડ્યું નથી. હવે સમગ્ર નવરાત્રિ ઉત્સવ દરમિયાન વરસાદ રાસ ગરબાની રમઝટના રંગમાં ભંગ પાડે તેવી શક્યતા નથી તેમ સ્થાનિક હવામાન વિભાગની કચેરીનાં સૂત્રો જણાવે છે.

સ્થાનિક હવામાન વિભાગની કચેરીનાં સૂત્રોએ અગાઉ નોરતાંના બે દિવસ વરસાદનાં વિઘ્ન વગરના જશે તેવી આગાહી કરી હતી. જે મુજબ ગઇ કાલે ખેલૈયાઓએ નોરતાંનો પહેલો દિવસ હોવા છતાં મન મૂકીને રાસ ગરબાની ધમાલ મચાવી હતી. પહેલા દિવસથી અમદાવાદમાં નવરાત્રિનો ઉત્સાહ જોવા મળ્યો છે. આજે પણ આકાશ સ્વચ્છ હોઇ લોકોનો ઉત્સાહ બેવડાયો છે.

શનિ-રવિના વીક એન્ડની રજામાં અમદાવાદમાં નવરાત્રિની ઊર્જા ચરમ સીમાએ પહોંચશે. વેપારી અને નોકરિયાત વર્ગ રજાનો માહોલ હોઇ મોટાપાયે રાસ ગરબાનો આનંદ લેશે. હવામાન પણ વરસાદના વિઘ્ન વગરનું હોઇ અમદાવાદીઓને રાહત આપનારું બનશે. તેમ જણાવતાં સ્થાનિક હવામાન વિભાગની કચેરીનાં સૂત્રો વધુમાં કહે છે કે સમગ્ર નવરાત્રિના પાવન પર્વ દરમ્યાન વરસાદની ઝાઝી શક્યતા નથી. ખેલયાઓ મોકળાશ પણ આ ઉત્સવને માણી શકશે.

You might also like