દેવોને પણ પ્રિય મધુ માસ એવોઃ ચૈત્ર, માતાજીની પૂજાનું છે અનોખું મહત્વ

ચૈત્ર માસ એટલે મધ જેવો મીઠો માસ. ચૈત્ર માસ દેવોને પણ પ્રિય માસ ગણાય છે. ભગવદ્ગીતાના દસમા અધ્યાયના ૩૫મા શ્ર્લોકમાં પણ ભગવાન શ્રીકૃષ્ણએ જણાવ્યું છે કે ‘ઋતુનામ કુસુમાકર:’ ઋતુઓમાં સૌથી શ્રેષ્ઠ ઋતુ એટલે વસંત ઋતુ . વસંત ઋતુ હું પોતે જ છું. ચૈત્ર માસને ‘વિષ્ણુ માસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ચૈત્રી નવરાત્રિને ‘વસંતી નવરાત્રિ’ કે ‘રામ નવરાત્રિ’ તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રિના નવમા દિવસે ભગવાન રામનો જન્મદિવસ ‘રામ નવમી’ તરીકે ઊજવવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિના નવ દિવસ મા શક્તિનાં નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. શક્તિની ભક્તિ દ્વારા અંતરમનને નિર્મળ કરવાનું પર્વ એટલે જ નવરાત્રિ. આ વર્ષે ચૈત્રી નવરાત્રિ ૧૮મી માર્ચથી તા. ૨૫ માર્ચ, ૨૦૧૮, ચૈત્ર સુદ એકમને રવિવારથી ચૈત્ર સુદ આઠમનેે રવિવાર સુધી ઊજવવામાં આવશે. નોમનો ક્ષય છે.

દેવીસૂક્ત, ઈશાસૂક્ત તથા રાત્રિસૂક્તમાં માના ગુણની ભવ્યતા દર્શાવવામાં આવેલી છે. મહાભારતના પાંડવો અને કૌરવો વચ્ચેના યુદ્ધ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ મા શક્તિની આરાધના કરી સત્ય અને ધર્મની જીત માટે પ્રાર્થના કરી હતી. રામાયણમાં પણ જાણવા મળે છે કે રાવણ સાથેના યુદ્ધ વખતે ભગવાન રામે મા દુર્ગાની આરાધના કરવાનું શરૂ કર્યું હતું.
મા દુર્ગાના આશિષ મેળવવા માટે ચૈત્ર માસમાં પૂજા પાઠ અને ઉપવાસ કરવામાં આવે છે. નવરાત્રિમાં માનાં ત્રણ મુખ્ય સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. મા લક્ષ્મી, મા સરસ્વતી અને મા દુર્ગા. નવરાત્રિના નવ દિવસ પણ ત્રણના સમૂહમાં વિભાજિત કરવામાં આવેલા છે.

પ્રથમ ત્રણ દિવસ મા દુર્ગાના ‘શક્તિ’ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. બીજા ત્રણ માના ‘શ્રી’ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. છેલ્લાં ત્રણ દિવસ માના ‘જ્ઞાન’ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આમ નવ દિવસ માની સ્તુતિ કરી ભક્ત માની પાસે બાળક સ્વરૂપે તેના દિલનો ભાર હળવો કરે છે. આઠમ અને નોમના દિવસે હવન કરી ભક્તો કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.

નવરાત્રિના દિવસોમાં ક્ધયાપૂજાનું પણ આગવું મહત્ત્વ છે. માના બાળસ્વરૂપની આરાધના કરવાનું પુણ્ય મળે છે. કેટલાંક રાજ્યોમાં સગીર બાળકોની પણ પૂજા કરવામાં આવે છે. સગીર બાળકમાં દેવ ભૈરવનું રૂપ સમાયેલું હોય છે. એવું મનાય છે કે ભૈરવ દેવ અનિષ્ટથી સમાજનું રક્ષણ કરે છે. માની આરાધના કરતી વખતે નિ:સ્વાર્થ ભાવ રાખવો જરૂરી છે. નવ દિવસ માની સ્તુતિ કરવાથી ભક્ત શુભ ફળ મેળવે છે.

શારદીય નવરાત્રિમાં કરવામાં આવતી વિધિ પ્રમાણે જ ચૈત્રી નવરાત્રિમાં માના પૂજાપાઠ અને આરાધના કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ચૈત્ર માસની દરેક પળ શુભ ગણાય છે. વસંત ઋતુની શુભ શરૂઆત સાથે ભારતનાં વિવિધ રાજ્યોમાં નવા વર્ષની ઉજવણી પારંપારિક રીતે કરવામાં આવે છે. બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન ચૈત્ર માસના પ્રારંભે જ ર્ક્યું હતું. નવું વર્ષ નવી આશા, નવો ઉત્સાહ ઉમંગ માનવીના દિલમાં લાવે છે.

નવરાત્રિમાં માની આરાધના નવ દિવસ ફરાળ કે કંદમૂળ ખાઈને કરવામાં આવે છે. માની આરાધના કરવાથી ભક્તનું મન-શરીર નિર્મળ બને છે. હૃદયમાં અન્ય વ્યક્તિના દુ:ખ-દર્દને અનુભવી શકવાનું બળ મળે છે. અનેક ભક્તો નવરાત્રિના દિવસોમાં મૌન વ્રત ધારણ કરે છે. એવું કહેવાય છે કે મનુષ્યનું આત્મબળ વધારવા માટે મૌન જેવું કોઈ શસ્ત્ર નથી. તેથી જ કહેવાયું છે કે તહેવાર કોઈપણ હોય મૌન ધારણ કરીને આત્મસંયમ દ્વારા વ્રત જપ તપ કરવાથી તેનું ફળ અદ્ભુત મળે છે.

You might also like