નવરાત્રિમાં શક્તિ ઉપાસના

પરાપૂર્વથી શિવ અને શક્તિની ઉપાસના થતી જોવા મળે છે. શક્તિ ઉપાસકોમાં મા શક્તિ અર્થાત્ આદ્યશક્તિની ઉપાસના વિવિધ સ્વરૂપે થતી જોવા મળે છે. શાસ્ત્રીઓ, પંડિતો, તત્ત્વવેત્તાઓ, ઋષિ મુનિઓ તથા વેદજ્ઞોના મતાનુસાર શક્તિનું પરમ તત્ત્વ આરંભ, મધ્ય તથા નિરુપાધિ છે. શુદ્ધ તથા બાહ્ય પણ તે જ છે. તે એક છે અતે અચલ છે. ચિદાનંદ છે. અદ્ભુત છે. બધાને માટે અત્ર, તત્ર, સર્વત્ર છે. છતાં પણ તે લીલા માટે અનેક સ્વરૂપ વખતો વખત ધારણ કરે છે.
દેવી ભાગવતમાં જણાવ્યું છે કે એક વખત દેવતાઓએ, મા ભગવતીને સવિનય પૂછ્યું કે કાસિ ત્વં મહાદેવી’ હે મહાદેવી આપ કોણ છો ? ત્યારે મા ભગવતીએ ઉત્તર આપ્યો કે હું તથા બ્રહ્મ બંને એક જ છીએ. જે તે છે તેજ હું છું. અમારા બંને વચ્ચે જો કોઇ ફરક માને તો તે અતિ મહામૂર્ખ લેખાશે. આ સૃષ્ટિમાં વિચરનાર દરેક જીવ ભય, ભ્રાંતિ તથા અભાવથી પીડાય છે. પરિણામે તે જીવ સંસારમાં સદૈવ ઉદ્વેગ રહે છે.
શક્તિમત અનુસાર શક્તિ સાંસારિક દુઃખતાં કિચડમાં ફસાયેલ વ્યક્તિને તેમાંથી બહાર નીકળવાની મદદ કરે છે. શક્તિને કારણે જનારને જગતના ત્રિવિધ તાપ, આધિ, વ્યાધિ, ઉપાધિ સાવ નહિંવત પ્રમાણમાં નડે છે. કારણ કે તેના ઉપર શક્તિ તત્ત્વની અપાર કરુણા હોય છે. શક્તિ આદ્ય શક્તિ તરીકે વિખ્યાત હોવા છતાં ભક્તોનાં કલ્યાણ માટે ઇષ્ટ માટે ક્યારેક જુદા જુદા ભક્તોમાં ભાવ પૂરા કરવા ઘણી વખત છિન્નમસ્તા, કદિક મા બગલામુખી સ્વરૂપે, કદિક ભુવનેશ્વરી સ્વરૂપે તે સાધક કે ઉપાસક માટે સ્વરૂપ ધારણ કરે છે. એ જ આદ્યશક્તિ પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરવા નવરાત્રિના નવ દિવસ તથા નવે નવ દિવસ રાત અનુક્રમે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાળરાત્રિ, મહાગૌરી તથા સિદ્ધિદાત્રી બને છે. તે સત્ય છે.
તંત્ર માર્ગ અનુસાર તે સંસારના જીવોને દુર્ગતિમાંથી બહાર કાઢે છે. તેથી તેનું એક નામ તથા તેનાં રૂપ અનેક છે. તેમનાં કોઇ પણ સ્વરૂપની ઉપાસના કરવાથી તે જગતજનની તેના ભક્તને એક હાથે ભોગ તા બીજા હાથે મોક્ષ આપે છે. યંત્ર, તંત્ર તથા મંત્રના ઉપાસકોના મત અનુસાર તથા શક્તિતત્ત્વની સાધનાનું રહસ્યોનું ઉદ્ઘાટન કરનાર ઋષિઓના મતાનુસાર શક્તિની ઉપાસના જો વિદ્યાર્થી કરે તો તેને શ્રેષ્ઠ, વિદ્યા, ધનાર્થી કરે તો તેને મા શક્તિ મોક્ષ આપવા સમર્થ છે. કહેવાનો અર્થ એ અહીં લેવો કે જે તે સાધક કે ઉપાસક જે જે ભાવથી તેની ઉપાસના કરે છે તે તે ભાવ આપવા મા શક્તિ તેવું સ્વરૂપ ધારણ કરે છે. તે સાધકની સર્વ મનોકામના મા ભગવતી કે પીતામ્બરા પૂર્ણ કરવા અવશ્ય પધારે છે. શક્તિ તંત્રો મુજબ મેષ સંક્રાંતિની આસપાસ આસો સુદ એકમથી નોમ સુધી શારદીય નવરાત્રિ હોય છે. તેવી રીતે ચૈત્ર સુદ એકાદશીથી નોમ સુધી વાસંતી નવરાત્રિ હોય છે. આ નવ દિવસમાં જે ભક્ત કે સાધક માને જે ભાવે પોકારે તે ભાવ પૂરો કરવા મા ભગવતી પરામ્બા અવશ્ય આવે છે.
– શાસ્ત્રી હિમાંશુ વ્યાસhttp://sambhaavnews.com/

You might also like