નવરંગપુરામાં નિવૃત્ત ઇજનેરની હત્યાઃ હત્યારા કાર લઈને ફરાર

અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી દર્શન સોસાયટીના એક બંગલામાં મોડી રાતે અજાણ્યા શખસોએ ઘૂસી જઇ ૯ર વર્ષીય વૃદ્ધની હત્યા કરી હતી. હત્યા બાદ તેઓ કાર લઇ ફરાર થઇ ગયા હતા. વહેલી સવારે ઉપરના માળે સૂતેલો પુત્ર નીચે આવતાં ઘટનાની જાણ થઇ હતી. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં ક્રાઇમ બ્રાન્ચ અને નવરંગપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. નવરંગપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપવા વિવિધ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ નવરંગપુરા વિસ્તારમાં આવેલી દર્શન સોસાયટીમાં રસિકભાઇ મહેતા (ઉ.વ. ૯ર) તેમના પુત્ર કમલેશની સાથે રહેતા હતા. રસિકભાઇ લેખક હતા અને એઈસીમાંથી ચીફ એન્જિનિયર તરીકે નિવૃત્ત થયા હતા. હાલમાં તેઓ યોગ શિખવાડતા હતા. રસિકભાઈ ભાજપના પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલના વેવાઈ છે. ગઇ કાલે રાત્રે નિત્યક્રમ મુજબ કમલેશ તેના પરિવાર સાથે ઉપરના માળે સૂઇ રહ્યો હતો ત્યારે રસિકભાઇ નીચેના માળે તેમના રૂમમાં સૂઇ
ગયા હતા.

દરમ્યાનમાં મોડી રાતે કોઇ અજાણ્યા શખસોએ બંગલામાં પ્રવેશી રસિકભાઇની તકિયા વડે મોં દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ હત્યારાઓ બંગલામાં પડેલી કોરોલા કાર લઇ ફરાર થઇ ગયા હતા. વહેલી સવારે કમલેશભાઇ નીચે ઊતર્યા ત્યારે રસિકભાઇને ઉઠાડતાં તેઓ જાગ્યા ન હતા, જેથી તેઓની હત્યા થઇ હોવાની જાણ થઇ હતી. આ અંગે પોલીસને જાણ કરાતાં નવરંગપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટનાની ગંભીરતાને લઇ સેકટર-૧ના જોઇન્ટ કમિશનર અને ડીસીપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘરમાં પરિવારની હાજરીમાં મોડી રાતે ઘરમાં ઘૂસી અજાણ્યા શખસો હત્યા કરી ફરાર થઇ જતાં પરિવાર પણ શંકાના દાયરામાં છે.

દર્શન સોસાયટીના બંગલાઓમાં સીસીટીવી કેમેરા પણ લાગેલા છે તેમજ સિક્યોરિટી હોવા છતાં પણ ઘરમાં ઘૂસી હત્યાનો બનાવ બનતાં કોઇ જાણભેદુ હોવાની પોલીસને આશંકા છે. ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમ બનાવી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ઘરમાંથી અન્ય કોઇ ચીજવસ્તુઓની ચોરી કે લૂંટ થઇ ન હોવાનું જાણવા મળ્યું છે. હત્યારા માત્ર કોરોલા કાર લઇ ફરાર થઇ ગયા હોઇ પોલીસે અમદાવાદ શહેરમાં લાગેલા તમામ સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી છે. હત્યા અંગેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, જોકે સૂત્રોના જણાવ્યા મુજબ અંગત અદાવતમાં તેમની હત્યા કરાઇ હોવાની શંકા સેવાઇ રહી છે.

અગાઉ પણ નવરંગપુરા જેવા પોશ વિસ્તારમાં નિર્મળાબહેન શાહની હત્યા કરાઇ ચૂકી છે. જેમાં હજુ સુધી પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી. ત્યારે ફરી એક વાર વૃદ્ધની હત્યાનો બનાવ બનતાં અનેક સવાલો ઊભા થયા છે. સોસાયટીમાં કડક સિક્યોરિટી હોવા છતાં આ બનાવને લઇ અનેક શંકા-કુશંકાઓ ઊભી થઇ છે પોલીસે આસપાસના લોકોની તેમજ સિક્યોરિટી ગાર્ડની પૂછપરછ હાથ ધરી છે.

You might also like