નવરંગપુરા ફિઝિયોથેરપી સેન્ટર અને સ્નાનાગાર ખંડેરમાં ફેરવાયાં

અમદાવાદ : શહેરના નવરંગપુરા જેવા પોશ વિસ્તારમાં મ્યુનિ. કોર્પો. સંચાલિત ફિઝિયોથેરપી સેન્ટર અને તેનું સ્નાનાગાર તંત્રની ઉપેક્ષાનાં શિકાર બન્યાં છે. મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા નવરંગપુરા બસ સ્ટેન્ડ પાસેનાં વર્ષો જૂના જર્જરીત મકાનમાં ફિઝિયોથેરપી સેન્ટરનું બોર્ડ લગાવીને દર્દીઓને કહેવા પૂરતી ફિઝિયોથેરપીની સારવાર આપવામાં આવે છે. આમ તો આ ફિઝિયોથેરપી સેન્ટર અને તેને સંલગ્ન સ્નાનાગારનો પ્રશ્ન વર્ષો જૂનો છે. તેમ છતાં તેના ઝડપી નિરાકરણમાં સંંબંધિત અધિકારીઓ રસ દાખવતા નથી.

આ અંગે આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડૉ.ભાવિન સોલંકીને પૂછતા તેઓ કહે છે, અહીંના ફિઝિયોથેરપી સેન્ટર અને સ્નાનાગારનું સંચાલન આરોગ્ય વિભાગ કરે છે. આ સ્થળે નવું ફિઝિયોથેરપી સેન્ટર બનાવવાનાં ચક્ર ગતિમાન થઇ ચૂકેલાં છે. આઠેક મહિનામાં સ્નાનાગારનું પણ નવીનીકરણ થઇ જશે. પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગને આ અંગેની કામગીરી સોંપાઇ છે.

જોકે પશ્ચિમ ઝોન ઇજનેર વિભાગના વડા હરપાલસિંહ ઝાલા આશ્ચર્ય વ્યક્ત કરતાં કહે છે ફિઝિયોથેરપીના દર્દીઓ માટેના સ્નાનાગારનો ફિલ્ટર પ્લાન્ટ પણ ખંડેર બન્યો છે. ડૉ.ભાવિન સોલંકી ક્યા આધારે ઇજનેર વિભાગને નવીનીકરણની કામગીરી સોંપાઇ હોવાનું જણાવે છે તે સમજાતું નથી કેમ કે, ખાસ વિભાગ સાથે આ મામલે તેમણે કોઇ પત્ર વ્યવહાર પણ કર્યો નથી. મને ફિઝિયોથેરપી સ્નાનાગારના નવીનીકરણની કંઇ ખબર જ નથી.” જ્યારે મ્યુનિ. સ્નાનાગાર ઇન્ચાર્જ વડા પથિક શાહ પણ કહે છે, “છેલ્લા ત્રણ વર્ષથી હું ઇન્ચાર્જ છું પરંતુ ફિઝિયોથેરપીના સ્નાનાગાર માટે કોચ ફાળવ્યા નથી. તેમજ આના રિનોવેશનનું કામકાજ પણ મારા વિભાગ હસ્તક નથી !” આમ વર્ષો બાદ પણ સમગ્ર કોકડું ગૂંચવાયેલું જ રહ્યું છે.

You might also like