ખંડેરમાં ફેરવાઈ રહેલું  નવરંગપુરા ખાતેનું એએમટીએસ ટર્મિનસ

અમદાવાદ: એએમટીએસના સત્તાવાળાઓની બલિહારીથી શહેરનાં બસ સ્ટેન્ડ પર આવારાં તત્ત્વોએ કબજો જમાવ્યો હોય કે નાના-મોટા ધંધાર્થીનાં દબાણ હોય તેની તો હવે નાગરિકોમાં નવાઇ નથી રહી પરં્તુ આઘાતજનક બાબત તો શહેરના પોશ વિસ્તારમાં આવેલા નવરંગપુરા ટર્મિનસની છે અા ટર્મિનસ જાણે કે તંત્રની નકશામાંથી જ ગાયબ થઇ ગયું હોય તેમ લાગે છે. અત્રેથી દરરોજ સેંકડો ઉતારુઓની અવરજવર થતી હોય છે તેમ છતાં સત્તાવાળાઓ ઉપેક્ષાથી સાવ જર્જરિત હાલતમાં મુકાઇ ગયું છે.

શહેરના છ લાખથી વધારે ઉતારુઓ દરરોજ એએમટીએસ બસનો ઉપયોગ કરે છે દર વર્ષ ટ્રાન્સપોર્ટ કમિટી ઉતારુઓને હથેલીમાં નવા નવા ચાંદ બતાડીને છેતરતી આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં શાસકોએ કુલ રૂ.પ૩પ.૮૬ કરોડનું જંગી બજેટ મંજૂર કર્યું છે શાસક પક્ષનાં આ બજેટમાં શહેરનાં તમામ ડેપો-ટર્મિનસો પર સ્વચ્છતા માટે ધ્યાન અપાશે તેવી ગુલબાંગો પોકારાય છે.

પરંતુ નવરંગપુરા ટર્મિનસની વરવી હાલત સત્તાધીશોની આંખ ઉઘાડે તેવી છે આમ તો ટર્મિનસનું કોમર્શિયલ ધોરણે વિકાસ કરવાનાં ઢોલ નગારાં પણ વગાડવામાં આવ્યાં હતાં. જેમાં બિલ્ડિંગનું આધુનિકીકરણ કરવું તેમજ પાર્કિંગ સહિતની સુવિધા ઉતારુઓને આપવાનાં બગણાં ફુંકાયાં હતાં પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે હયાત બિલ્ડિંગનું આખુંય માળખું જર્જરિત થઇને ગમે ત્યારે ઉતારુઓ પર સ્કાયલેબ ની જેમ ત્રાટકીને પ્રાણઘાતક બની શકે તેમ છે.

કંટ્રોલ કેબિન હંમેશાં બંધ હાલતમાં હોય છે. આ સંજોગોમાં ઉતારુઓને માટે પાણીની પરબની કલ્પના જ થઇ શકતી નથી. જર્જરિત નવરંગપુરા ટર્મિનસમાં ઉતારુઓને જે તે બસની માહિતી આપનાર બોર્ડ જ કાટમાળ થઇ ગયું છે. આની સામે ખાનગી કંપનીનાં મોટાં મોટાં પબ્લિસિટીનાં બોર્ડ ઉતારુઓનાં રોષ ફેલાવી રહ્યા છે. આ તો ઠીક, ટર્મિનસમાં સવાર સાંજ ભિક્ષુકોના અડ્ડા જામ્યા હોય છે. એએમટીએસ તંત્ર ‘પિકઅવર્સ’માં મહિલાઓની સલામતી માટે પણ ભિક્ષુકોના સ્વાંગમાં બેસતા આવરા તત્ત્વોને હટાવતંુ નથી.

બીજી તરફ લાલ દરવાજા ટર્મિનસનો ઓછામાં ઓછા દોઢ કરોડના ખર્ચે નવીનીકરણ કરવાના શાસક પક્ષનાં બજેટમાં વચન અપાય છે. પાલડી ટર્મિનસને નવાં રંગરૂપ આપવાની દિશામાં પણ ચક્ર ગતિમાન થઇ રહ્યાં છે. પરંતુ નવરંગપુરા ટર્મિનસનો ‘રાઉન્ડ’ લેવાની પણ તંત્રમાં કોઇને ફુરસદ મળતી નથી.

You might also like