નવકાર મહામંત્ર માહાત્મ્ય

શ્રી નવકાર એ સર્વ મંત્રોમાં શિરોમણિભૂત મહામંત્ર છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં બિરાજમાન પાંચ પરમેષ્ઠિઓ પરમો પહોંચી છે. ચૂકેલી અને પહોંચવા માટે પ્રયત્નશીલ જગતની પાંચ મહાવિભૂતિ છે. મહામંત્ર નવકાર એ જૈન શાસનનો પરમમંત્ર છે. તમામ આરાધનાનું એ અંતિમ રહસ્ય છે. નવકારને ગ્રહણ કરવાથી બધી જ ઉત્તમ આરાધના આપોઆપ ગ્રહણ થઇ જાયછે. નવકારનું પુનઃ પુનઃ રટણ કરનારા અંતે પંચપરમેષ્ઠિ સ્વરૂપ બને છે. નવકારનું સામર્થ્ય અદ્ભુત છે. તે સર્વાંગશુષ્ઠ મહામંત્ર છે. બીજા પણ તમામ મહામંત્ર અને પ્રખર વિદ્યાઓના ઉત્કૃષ્ટ બીજસ્વરૂપ છે.
નવકાર એ જિનશાસનનો સાર છે. ૧૪ પૂર્વજનો સમ્યગ્ ઉદ્ધાર છે. નવકાર જેના મનમાં સ્થિર છે તેને સંસાર શું કરે? નવકાર તો સર્વ શ્રેયોમાં પરમ શ્રેય છે. સર્વ માંગલિકને વિશે પરમ માંગલિક છે. સર્વ પુણ્યોમાં પરમ પુણ્ય છે. સર્વ ફળમાં પરમ રમ્ય ફળ છે. પંચ નવકાર ચિંતવવા માત્રથી જલ અગ્નિ થંભી જાય છે. અરિ, મારિ, ચોર તથા રાજા સંબંધી ધોર ઉપસર્ગોનો પણ નાશ થાય છે.
શ્રી નવકાર મહામંત્ર દુઃખ હરે છે. સુખ આપે છે. યશ ઉત્પન્ન કરે છે. ભવ સમુદ્રને શોષે છે. તેનાથી જ આલોક તથા પરલોકનું સુખ મળેછે. શ્રી નવકાર મંત્રનો એક અક્ષર સાત સાગરોપનું પાપ નાશ કરે છે. શ્રી નવકાર મંત્રના એક પદ વડે પચાસ સાગરોપમનું પાપ નાશ પામે છે. જે ભક્ત એક લાખ નવકારને વિધિપૂર્વક ગણે છે તે ભક્ત શ્રી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે છે. તેમાં જરા પણ સંદેહ નથી અંત સમયે જે ભક્તના દશ પ્રાણો પંચ નમસ્કારની સાથે જાય છે. તેનો કદાચ મોક્ષ ન પણ થાય તો તેની ગતિ પરમ વૈજ્ઞાનિક અવશ્ય થાય છે.
ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાથેલું કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી કે જયાં સુધી શ્રી પંચપરમેષ્ઠી નમસ્કાર સ્મરવામાં નથી આવતો. ભોજન સમયે, શયન સમયે, જાગવાના સમયે, પ્રવેશ સમયે, ભય વખતે, કષ્ટ વખતે દરેક વખતે પંચનમસ્કારનું સ્મરણ સતત રાખવું જ જોઇએ. હજારો પાપ કરનારા, સેંકડો જંતું મારનારા નિયમો પણ નવકાર મહામંત્રનું અનુષ્ઠાન કરીને સ્વર્ગે સિધાવ્યાના દાખલા મોજૂદ છે. મહામંત્ર શ્રી નવકાર એ સંસારમાં સારભૂત મંત્ર છે. ત્રિલોકમાં પણ અનુપમ છે. તેનાથી જ સર્વ પાપનો નાશ થાય છે. તે જ સંસારનો ઉદ્ધાર છે. તે જ સિદ્ધિ આપે છે. કેવલ જ્ઞાન આપે છે હે ભવ્યો, તમે વારંવાર નવકાર મંત્ર જપો. જાપ કરાયેલા આ નવકાર મહામંત્ર જન્મ મરણની જંજાળમાંથી છોડાવનાર છે. નવકાર મહામંત્ર સર્વ સારની ગાંઠ સ્વરૂપે છે. નવકાર નમસ્કાર મહામંત્ર તે દુર્લભ વસ્તુની પ્રાપ્તિ છે જે નવકારને અંત સમયે ભાવપૂર્વક ભજે છે તે સુખને આમંત્રે છે. તે તેનાં દુઃખોને જલાંજલિ આપે છે.
નવકાર જાપના નિયમ :
– તમામ દુર્વ્યસન ત્યજવાં
– અભક્ષ્ય ભક્ષણનો ત્યાગ કરવો.
– શ્રી જિનપૂજન આદિ શ્રાવકાચારનું પાલન કરવું
– બાહ્મ જીવનમાં પ્રામાણિકતા તથા નીતિમત્તા ખાસ જાળવવા
– ત્રણ સંધ્યાએ વિશ્વ કલ્યાણની શ્રેષ્ઠ ભાવના સહિત ઓછામાં ઓછા ૧ર લાખ મંત્ર જપવા.
નવકાર મહામંત્રથી થતા લાભ :
નવકાર મહામંત્રથી સામાન્ય ફળ, મધ્યમ ફળ, ઉત્તમ ફળ તથા ઉત્તમોત્તમ ફળ મળે છે. સામાન્ય ફળ ઉત્પન્ન થતાં શારીરિક રોગ થતા નથી. પહેલા થયેલા રોગ દૂર થાય છે. મધ્યમ ફળ ઉત્પન્ન થતા સાધનાનું બળ વધે છે. તે જગતને અનુકૂળ રહે છે. શુભ ભાવનાની વૃદ્ધિ થાય છે. ઉત્તમ ફળ ઉત્પન્ન થતાં મન પ્રફુલ્લિત બને છે. સંતોષ વૃત્તિ પ્રગટે છે. ષડરિપુ નબળા પડે છે. તથા ઉત્તમોત્તમ ફળ ઉત્પન્ન થતાં સાધક પરમેષ્ઠિ સ્વરૂપ બને છે. તે જગત પૂજ્ય બને છે. સર્વ કર્મમાંથી મુક્ત બની પારલૌકિક સિદ્ધિપટ આપે છે.•
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like