રૂ.52 લાખની ટેક્સની રિકવરી માટે નવજોત સિદ્ધુનાં બે એકાઉન્ટ સીઝ

નવી દિલ્હી, શુક્રવાર
પૂર્વ ક્રિકેટર અને પંજાબના પ્રવાસન પ્રધાન નવજોતસિંહ સિદ્ધુ ફરી એક વાર સમાચારોની હેડલાઇન્સમાં ચમકયા છે. આ વખતે તેનું કારણ તેમની પાસેથી બાકી નીકળતી ટેક્સની જંગી રકમ છે. સમાચાર સંસ્થા એએનઆઇના જણાવ્યા પ્રમાણે ઇન્કમટેક્સ વિભાગે રૂ.પર લાખની ટેકસની બાકી વસૂલાતને લઇને તેમનાં બે બેન્ક ખાતા સીઝ કરી દીધાં છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સિદ્ધુ ર૦૧૪-૧પ માટે ફાઇલ કરેલા ટેક્સ રિટર્નના ખર્ચનાં બિલ રજૂ કરવામાં નિષ્ફળ જતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર સિદ્ધુએ ટ્રાવેલ પાછળ રૂ.૩૮ લાખ, કપડાં પાછળ રૂ.ર૮ લાખ, સ્ટાફની સેલરી પાછળ રૂ.૪૭ લાખ અને ફ્યૂઅલ પાછળ રૂ.૧૮ લાખ ખર્ચ્યા હતા.

જોકે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ડિમાન્ડ પર સિદ્ધુ ખર્ચનાં બિલ રજૂ કરવામાં નિષ્ફળ ગયા છે. બીજી બાજુ સિદ્ધુ સતત પોતાનો બચાવ કરી રહ્યા છે અને ભારપૂર્વક જણાવી રહ્યા છે કે તેઓ દસ વર્ષથી રિટર્ન ફાઇલ કરી રહ્યા છે અને તેમણે ક્યારેય ટેક્સની ચુકવણી કરવામાં ડીફોલ્ટ કર્યો નથી. અહેવાલો અનુસાર ઇન્કમટેક્સ વિભાગે સિદ્ધુને ત્રણ નોટિસ ફટકારી છે.

આ અગાઉ પણ નવજોત સિદ્ધુ વિવાદના વમળમાં ફસાયા હતા. ર૦૧૬માં રોડ રેજમાં થયેલ એક મૃત્યુના કેસમાં તેમને ત્રણ વર્ષની જેલની સજા થઇ હતી, જોકે તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને પાછળથી તેમને સુપ્રીમ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.

You might also like