કન્હૈયા, ઉમર ખાલિદને ધમકી- ‘દિલ્હી છોડો નહી તો JNU ઘૂસીને કામ તમામ કરી દઈશું’

નવી દિલ્હી: કન્હૈયા અને ઉમર ખાલિદને નવનિર્માણ સેનાની ધમકી ઉત્તર પ્રદેશના એક કટ્ટરપંથી રાજકીય સંગઠન નવનિર્માણ સેનાએ દેશદ્રોહના આરોપનો સામનો કરી રહેલા જવાહર લાલ નહેરૂ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘ નેતા કન્હૈયા કુમાર અને તેના સાથી ઉમર ખાલિદને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

સંગઠનના અધ્યક્ષ અમિત જાનીએ ફેસબુક પર પોસ્ટ કરેલા સંદેશમાં કહ્યું કે જો આ બંને વિદ્યાર્થીઓ દુર્ગાષ્ટમી પહેલાં 31 માર્ચ સુધી દિલ્હી નહી છોડે તો જેએનયૂ પરિસરમાં ઘૂસીને આ બંનેનું કામ કરી દેવામાં આવશે.

સંગઠન કન્હૈયા કુમારના આ નિવેદનથી નારાજ છે, જેમાં તેણે કહ્યું હતું કે જમ્મૂ કાશ્મીરમાં ભારતીય સૈનિક મહિલાઓની સાથે બળાત્કાર કરી રહ્યાં છે. સંગઠનના અધ્યક્ષ અમિતે ત્યાં સુધી કહ્યું કે જો તે જેએનયૂના આ બંને વિદ્યાર્થીઓ વિરૂદ્ધ કશું ન કરી શકે તો રાજકારણમાંથી સંન્યાસ લઇ લેશે.

તેણે એ પણ કહ્યું કે કોઇ ઇચ્છે તો તેને ગાળો આપી શકે છે, તેના પરિવારજનોને ગાળો આપી શકે છે અને તેમના ધર્મ વિરૂદ્ધ પણ બોલી શકે છે. તે બધુ સહન કરી લેશે પરંતુ દેશનું ગૌરવ ગણાતી ભારતીય સેના વિરૂદ્ધ કંઇપણ સહન કરી લેવામાં નહી આવે.

વિશ્વ મહિલા દિવસના અવસર પર કન્હૈયાએ આ નિવેદન આપીને નવો વિવાદ ઉભો કર્યો હતો કે જમ્મૂ કાશ્મીરમાં થયેલા બળાત્કારની ઘટનાઓ પાછળ કેટલાક ભારતીય સૈનિકોનો હાથ રહ્યો છે.

કન્હૈયા કુમાર અને ઉમર ખાલિદને જેએનયૂમાં 9 ફેબ્રુઆરીના રોજ આયોજિત એક વિવાદિત કાર્યક્રમમાં હાજર રહેવાના લીધે દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. બંને વચગાળાના જામીન પર છોડવામાં આવ્યા છે.

You might also like