નવા વાડજના ભાજપના કોર્પોરેટર પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો

અમદાવાદ: અમદાવાદના નવા વાડજ વિસ્તારના ભાજપના કોર્પોરેટર જિજ્ઞેશ પટેલ પટેલ પર આજે વહેલી સવારે બે વ્યક્તિઓએ હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગાયનેે ઘાસ ખવડાવવામાં અવરોધરૂપ બનતાં જિજ્ઞેશ પટેલને બે યુવકોએ મૂઢમાર માર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર નવા વાડજ વિસ્તારમાં રહેતા અને ભાજપના કોર્પોરેટર જિજ્ઞેશ પટેલને વહેલી સવારે બે વ્યક્તિઓએ માર મારતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પોલીસ સૂત્રો તથા સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ગાયને ઘાસ ખવડાવવાના મુદ્દે આજે વહેલી સવારે જિજ્ઞેશ પટેલે બે વ્યક્તિઓને રોકી હતી અને તેમના કામમાં અવરોધ ઊભો કર્યો હતો. જેમાં બંને વ્યક્તિઓએ જિજ્ઞેશ પટેલ સાથે બોલાચાલી કરી હતી. જોતજોતાંમાં મામલો એટલો ઉગ્ર બની ગયો કે જિજ્ઞેશ પટેલને બંને વ્યક્તિઓએ મૂઢમાર માર્યો હતો. ઘટનાની જાણ વાડજ પોલીસને થતાં તે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. વાડજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર વી જી રાઠોડે જણાવ્યું છે કે કોર્પોરેટર પર હુમલાનો આ કોઇ બનાવ બન્યો જ નથી.

You might also like