રાષ્ટ્રીય પક્ષો ધીમે ધીમે હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે

વર્તમાન લોકસભાની ચૂંટણીના દોર પરથી એક નવો ટ્રેન્ડ દેખાઇ રહ્યો છે. જોકે આ ટ્રેન્ડ ઘણા સમયથી ભારતીય લોકતંત્રમાં જોવા મળી રહ્યો છે. હવે ક્રમશઃ દેશના મુખ્ય રાષ્ટ્રીય પક્ષો હાંસિયામાં ધકેલાતા જાય છે. તાજેતરમાં યોજાયેલ પ્રથમ તબક્કાના મતદાન સાથે જ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે પણ મતદાન થયુું હતું. આ રાજ્યોમાં એક આંધ્રપ્રદેશ પણ છે જ્યાં આ વખતે રાજકીય ચિત્ર સંપૂર્ણપણે બદલાઇ ગયું છે. આંધ્રપ્રદેશ રાજ્યના વિભાજન બાદ રાજ્યની રાજનીતિ બે પ્રાદેશિક પક્ષો તેલુગુુ દેશમ્ અને વાયએસઆર કોંગ્રેસની આસપાસ સમેટાઇ ગઇ છે અને રાષ્ટ્રીય પક્ષો તો જાણે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં હાંસિયામાં ધકેલાઇ ગયા છે.

કોંગ્રેસ, ભાજપ, બસપા અને સામ્યવાદી પક્ષો માટે અહીં કોઇ દમ દેખાતો નથી. શકય છે કે હવે એ દિવસ દૂર નથી જ્યારે કોંગ્રેસ અને ભાજપ જેવા રાષ્ટ્રીય પક્ષોએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અહીંના પ્રાદેશિક પક્ષોનો સહારો લેવો પડશે. આ રીતે જોઇએ તો દ‌િક્ષણના આ બંને રાજ્યો તામિલનાડુની પેટર્ન પર ચાલી રહ્યા છે. તામિલનાડુમાં પણ ૭૦ના દાયકાથી શરૂ કરીને અત્યાર સુધી બે પ્રાદેશિક પક્ષો-દ્રવિડ મુન્નેત્ર કઝગમ (ડીએમકે) અને અખિલ ભારતીય અન્નાદ્રવિડમુન્નેત્રકઝગમ(એઆઇએડીએમકે)નું વર્ચસ્વ આજે પણ અકબંધ છે.

આ બંને પક્ષો પોતાની મરજી અને પોતાની શરતો પર કોંગ્રેસ અને ભાજપ સાથે ગઠબંધન કરે છે અને કેન્દ્રની સત્તા સંભાળવા માટે બંને રાજકીય પક્ષો સાથે પોતાની મનમાની મુજબ સોદાબાજી કરે છે. એટલે સુધી કે એઆઇએડીએમકેના તત્કાલીન વડા અને મુખ્યપ્રધાન જયલલિતા ભાજપના પ્રથમ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને પણ ખૂબ જ હેરાન કરતાં હતાં અને પોતાની શરતો મનાવવા માટે રીતસરના મજબૂર કરતાં હતાં.

આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ પણ આ જ પેટર્ન પર કામ કરી રહ્યા છે. મોદી સરકારે આંધ્રપ્રદેશને સ્પેશિયલ સ્ટેટસ આપવાનો ઇનકાર કરતાં તેમને મોદી સરકારથી છેડો ફાડી નાખતાં સહેજ પણ શરમ આવી નહીં. આમ દ‌િક્ષણ ભારતના પ્રાદેશિક પક્ષના નેતાઓ પોતાના રાજ્યો માટે સ્વાર્થી રાજનીતિ રમીને રાષ્ટ્રીય પક્ષોને બ્લેક મેઇલ કરતા આવ્યા છે.

આંધ્રપ્રદેશના બંને શકિતશાળી પ્રાદેશિક પક્ષો હવે રાષ્ટ્રીય પક્ષોને કઇ રીતે બાનમાં લઇ રહ્યા છે તેનો અંદાજ વાયએસઆર કોંગ્રેસના નેતા વાયએસ જગમોહન રેડ્ડીના તાજેતરના એ નિવેદન પરથી સ્પષ્ટપણે આવે છે કે જેમાં તેમણે એવું જણાવ્યું હતું કે ભારતમાં હવે રાષ્ટ્રીય પક્ષો જેવું કંઇ જ રહ્યંુ નથી.

આંધ્રપ્રદેશમાં મુખ્ય જંગ ચંદ્રાબાબુ નાયડુના તેલુગુ દેશમ્ અને જગમોહન રેડ્ડીના વાયએસઆર કોંગ્રેસ વચ્ચે છે. અભિનેતા પવન કલ્યાણના પક્ષ જનસેના પણ ત્રીજી તાકાત તરીકે સામે આવવાની ફિરાકમાં છે. તાજેતરમાં યોજાયેલ પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન જનસેનાના કાર્યકરો અને ઉમેદવારોએ દાદાગીરી કરીને જાતે જ ઇવીએમ તોડી નાખ્યા હતા.

ભાજપ અને કોંગ્રેસ દ‌િક્ષણનાં રાજયોમાં હાથ અજમાવી રહ્યા છે, પરંતુ તેઓ ત્યાંના પ્રાદેશિક પક્ષોના સહારે છે. પ્રાદેશિક પક્ષો તેમની સાથે ગઠબંધન કરે છે, પરંતુ પોતાની મરજી મુજબ દયા દાન કરતા હોય એ રીતે કેટલીક બેઠકોના ટુકડા રાષ્ટ્રીય પક્ષોને ફેંકે છે.

દક્ષિણ ભારતમાં તો ભાજપ-કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષો ત્યાંના પ્રાદેશિક પક્ષોના દયાદાન પર જીવી રહ્યા હોય તેવી દયનીય હાલત છે. હવે જો કેન્દ્રમાં સરકાર રચવા માટે મુખ્ય રાજકીય પક્ષોને પર્યાપ્ત બહુમતી નહીં મળે તો આ પ્રાદેશિક પક્ષો રાષ્ટ્રીય પક્ષોને પોતાની શરતો મુજબ બ્લેક મેઇલ કરશે એ વાતમાં કોઇ શંકા નથી. આમ આ ટ્રેન્ડ જોતાં એક દિવસ ભારતીય સંઘનું સંઘીય માળખું તૂટી પડે તો નવાઇ નહીં.

You might also like