નેશનલ હેરાલ્ડ કેસમાં પીએમઓ તરફથી ૧૦૦ ટકા દ્વેષભાવના : રાહુલ

નવી દિલ્હી : કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કહ્યું હતું કે, નેશનલ હેરાલ્ડ મામલામાં વડાપ્રધાનની કચેરી તરફથી દ્વેષભાવની ભાવનાથી કામગીરી કરવામાં આવી રહી છે. ૧૦૦ ટકા રાજકીય પ્રતિશોધ લેવાની ગતિવિધિ ચાલી રહી છે. રાહુલ ગાંધીએ એમપણ કહ્યું હતું કે, તેમને ન્યાયતંત્રમાં સંપૂર્ણપણે વિશ્વાસ છે. કોંગ્રેસ દ્વારા ન્યાયપાલિકાને ભયભીત કરવા માટે સંસદનો ઉપયોગ કરવા સંબંધિત આક્ષેપોનો પણ ફગાવી દીધા હતા.

સંસદ ભવન સંકુલમાં રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, ૧૦૦ ટકા રાજકીય પ્રતિશોધ લેવાની ગતિવિધિ ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે, રાજનીતિ કરવાની નીતિ રમાઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, ન્યાય તંત્રમાં તેમને સંપૂર્ણપણે વિશ્વાસ છે. તમામ વાસ્તવિક બાબતો સપાટી પર આવી જશે. ન્યાયતંત્રને ભયભીત કરવા માટે કોંગ્રેસ દ્વારા સંસદનો ઉપયોગ કરવાના સંસદીય બાબતોના પ્રધાન વેંકૈયા નાયડુના આક્ષેપને રાહુલ ગાંધીએ રદીયો આપ્યો હતો.

ન્યાયતંત્રને ભયભીત કરવાનું કામ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું નથી. અમે જાણીએ છીએ કે, સંસદના બન્ને ગૃહોમાં ગઈકાલે અને આજે કોંગ્રેસના સભ્યોએ ધાંધલ ધમાલને લઈને સાવધાની રાખી હતી. નેશનલ હેરાલ્ડ મામલામાં સરકાર અને પીએમઓ સામે આક્ષેપો બદલ સંસદમાં પુરાવા રજુ કરવા રાહુલ ગાંધીને ખુલ્લો પડકાર ફેંકતા સરકારે આજે રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી હતી.

સરકારે કહ્યું હતું કે, વિરોધ પક્ષ દ્વારા રાજકીય દ્વેષભાવના આક્ષેપો કરીને કાર્યવાહી ખોરવી નાંખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નેશનલ હેરાલ્ડ કેસ ૧૦૦ ટકા રાજકીય દ્વેષભાવથી પ્રેરીત છે તેવા રાહુલ ગાંધીના આક્ષેપ બાદ તરત જ કેન્દ્રીય મંત્રી રાજીવ પ્રતાપ રુડીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી પાસે આ મુદ્દે સંસદમાં બોલવા માટે કંઈ વધારે રહેતું નથી. રાહુલ ગાંધી ગૃહમાં કામગીરી ખોરવવાના એક માધ્યમ બની ગયા છે. કોર્ટે સોનિયા ગાંધી અને તેમની સામે બનેલા બનાવની નોંધ લીધી છે, તેઓ હવે હિરો બનવાના પ્રયાસ કરી રહ્યા છે.

રાજીવ પ્રતાપ રુડીએ કહ્યું હતું કે, જો તેમની પાસે સાહસ છે અને પુરાવા છે તો ઈમાનદારીપૂર્વક સંસદમાં આવવું જોઈએ અને ન્યાયતંત્ર સામે કરવામાં આવેલા આક્ષેપોના સંદર્ભમાં પુરાવા આપવા જોઈએ. રુડીએ કહ્યું હતું કે, સરકાર અને પીએમઓ સામે કરવામાં આવેલા આક્ષેપો બિલકુલ આધાર વગરના છે. ગૃહમાં આ સંબંધમાં સ્પષ્ટિકરણ આપવું જોઈએ. બીજીબાજુ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ મામલાને કોર્ટમાં ઉકેલવા કોંગ્રેસ પાર્ટીને અપીલ કરી હતી.

કારણકે સંરકાર અને સંસદને આની સાથે કોઈ લેવાદેવા નથી. સંસદની બહાર પત્રકારો સાથે વાતચીત કરતા ગડકરીએ કહ્યું હતું કે, પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સરકારને આની સાથે કોઈ લેવા દેવા નથી. આ કોર્ટનો આદેશ છે. સંસદનો સમય ખરાબ કરવાની બાબત લોકશાહી માટે યોગ્ય નથી. સંસદની કામગીરીને આ મુદ્દે ખોરવી નાંખવી જોઈએ નહીં. બીજીબાજુ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યંન હતું કે, પાર્ટી ન્યાયતંત્ર ઉપર પણ આક્ષેપ કરી રહી છે. વર્ષોથી કોંગ્રેસે રાજનીતિ રમી છે.

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને ઉપપ્રમુખ રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓ સામે દિલ્હી કોર્ટ દ્વારા સમન્સ જારી કરવામાં આવ્યું છે. નેશનલ હેરાલ્ડ કેસમાં તેમને ૧૯મી ડિસેમ્બરના દિવસે આરોપી તરીકે કોર્ટમાં હાજર થવાની સુચના આપવામાં આવી છે. નિષ્ક્રિય થયેલા નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપરના ઉપર અંકુશ મેળવવામાં ફંડની ઉચાપત અને છેતરપિંડી બદલ તેમની સામે ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ફરિયાદ દાખલ કરી હતી.

નેશનલ હેરાલ્ડ કેસ મામલામાં આ અગાઉ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ દિલ્હીની એક અદાલત સમક્ષ વ્યક્તિગત ઉપસ્થિતિમાંથી મુક્તિની માંગ કરી હતી. જેને સ્વિકારી લેવામાં આવી હતી. જેથી હવે ૧૯મી ડિસેમ્બરના દિવસે વ્યક્તિગત રીતે ઉપસ્થિત થવા માટે તમામને કહેવામાં આવ્યું છે.કોંગ્રેસની એવી દલીલ રહી છે કે, નેશનલ હેરાલ્ડ કેસમાં યંગ ઈન્ડિયા લિમિટેડમાં કોઈપણ ગેરરીતિ થઈ નથી. નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર હાલમાં નિષ્ક્રિય સ્થિતિમાં છે.

ગયા સપ્તાહમાં દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના નેતાઓની અરજી ઉપર તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. ૨૬મી જૂનના દિવસે ટ્રાયલ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા સમન્સને રદ કરવાની માંગણી કોંગ્રેસના નેતાઓ દ્વારા કરાઈ હતી. ગાંધીના નજીકના લોકો કોંગ્રેસના ખજાનચી મોતીલાલ વોરા, પરિવારિક મિત્ર સુમન દુબે અને પાર્ટીના નેતા ઓસ્કાર ફર્નાન્ડીસ દ્વારા સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ ઉપર ટ્રાયલ કોર્ટ દ્વારા તેમની સામે જારી કરવામાં આવેલા સમન્સને રદ કરવાની માંગણી કરી હતી. નેશનલ હેરાલ્ડ કેસના મામલામાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની તકલીફ વધી રહી છે.

You might also like