નેશનલ હેરાલ્ડ કેસઃ કોંગ્રેસની એકતાનો અવસર બની રહ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના આરોપીઓએ દિલ્હીની પતિયાલા કોર્ટમાં હાજર થઈને જામીન મેળવી લેવાની પક્ષના વરિષ્ઠ નેતાઓની સલાહને આખરે સ્વીકારીને અનુસરવામાં આવી. કોર્ટમાં હાજર થવાની તારીખ ૧૯ ડિસેમ્બરના આગલા દિવસ સુધી આ બાબતે પક્ષમાં મતભેદ પ્રવર્તતા હતા. રાહુલ ગાંધી જામીન મેળવવાને બદલે ધરપકડ વહોરી લેવાના મતના હતા. તેમની યુવા બ્રિગેડ પણ એવો જ મત ધરાવતી હતી.

સોનિયા ગાંધીની બીમારી અને મોતીલાલ વોરાની ઉંમરને કારણે આ બંનેના જામીન માટે બોન્ડ ભરીને તૈયાર રાખવાનું કહેવાયું હતું. રાહુલ જામીન ન લેવાના આગ્રહી હતા. આ કેસના કુલ પાંચ આરોપીઓમાંના અન્ય બેમાં ઓસ્કાર ફર્નાન્ડીઝ અને સામ પિત્રોડાનો સમાવેશ થાય છે. સામ પિત્રોડા તેમના ઑપરેશનને કારણે હાજર થઈ શકે તેમ ન હતા. તેમણે એ માટે અગાઉથી મંજૂરી મેળવી લીધી હતી. ૧૯મી ડિસેમ્બરે સવારથી જ ગુલામનબી આઝાદના નિવાસ પર કોંગ્રેસના મોવડીઓની બેઠક શરૂ થઈ ગઈ હતી.

બપોર સુધી ચાલેલી આ બેઠકમાં આખરે વરિષ્ઠ નેતાઓની સલાહ સ્વીકારવામાં આવી. આ અવસરનો સંપૂર્ણ રાજકીય લાભ ઉઠાવવાની રણનીતિ રાહુલ ગાંધીએ તૈયાર કરી હતી. તેમાંથી જામીન ન લેવાની વાતને પડતી મૂકવામાં આવી. અદાલતમાં હાજર થતાં પહેલાં જ પક્ષે સંસદમાં અને સંસદની બહાર કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ પર બદલાના રાજકારણનો આક્ષેપ કરીને મહત્તમ રાજકીય માઈલેજ મેળવવાનો પ્રયાસ કર્યો તેમાં ઘણે અંશે સફળતા મળી હતી. એ પછી અદાલતમાં જામીન ન લેવાના નાટકથી વિશેષ રાજકીય લાભ થવાની શક્યતા ન હતી. બલ્કે નુકસાન થવાની શક્યતા વધુ હતી.

૧૯૭૭માં જનતા સરકાર વખતે ઇન્દિરા ગાંધીએ તેમની ધરપકડને કુશળતાથી રાજકીય અવસરમાં પલટી નાખી લોકસભાની વચગાળાની ચૂંટણીમાં સત્તામાં વાપસી કરી હતી એ ઇતિહાસનું આ કેસમાં પુનરાવર્તન થવાની કોઈ શક્યતા ન હતી. સોનિયા કે રાહુલ -બેમાંથી કોઈનું કદ ઇન્દિરા ગાંધી જેવું નથી તેમ ત્યારના અને અત્યારના સ્થિતિ-સંજોગોમાં પણ આસમાન-જમીનનું અંતર છે, ત્યારે સત્તામાં રહેલી જનતા પાર્ટી ચાર પક્ષોના વિલીનીકરણથી બની હતી અને તેમાં આંતરિક વિખવાદ અને જૂથબંધી બહુ હતી. બધા વડાપ્રધાનપદના મહત્ત્વાકાંક્ષીઓ હતા. તેનો લાભ ઇન્દિરાજી ઉઠાવી શક્યા હતાં.

જનતા પાર્ટીમાં ભંગાણ સર્જાયું હતું. આજે એવું કશું થવાની શક્યતા નથી. ૧૯૭૭ની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય છતાં તેનો જનાધાર જળવાઈ રહ્યો હતો, ત્યારે પણ કોંગ્રેસની લોકસભામાં દોઢસો બેઠક હતી. આજે માત્ર ૪૫ છે. સાથોસાથ ઇન્દિરાજીના નેતૃત્વનો પ્રભાવ પણ લોકોના દિમાગ પર છવાયેલો હતો. આજે તેમાંનું કશું જ કોંગ્રેસમાં કે તેના નેતૃત્વમાં નથી. સૌથી મહત્ત્વની વાત એટલે ઇન્દિરાજી પર ભ્રષ્ટાચારના આરોપ ન હતા, જ્યારે નેશનલ હેરાલ્ડનો કેસ ભ્રષ્ટાચાર અને ગેરરીતિનો મામલો છે. આ કેસને પ્રત્યક્ષ રીતે સરકાર સાથે કોઈ નિસ્બત નથી.

એ સ્થિતિમાં આ કેસમાં સોનિયા – રાહુલે કાનૂની રીતે જ તેનો મુકાબલો કરવો જોઈએ એવા વરિષ્ઠ કોંગી નેતાઓના અભિપ્રાયને અનુસરવાનું ડહાપણનું કામ કર્યું. તેને કારણે કોર્ટમાં હાજર થવાના અવસરે ઘણા લાંબા સમય પછી કોંગ્રેસના કોઈ કાર્યક્રમમાં બંને પેઢીના નેતાઓ એકસાથે અને ભરપૂર ઊર્જા સાથે જોવા મળ્યા. તમામ વરિષ્ઠ નેતાઓ એકદમ સક્રિય જણાયા. રાહુલ બ્રિગેડના યુવા નેતાઓ તેમની સાથે મળીને કામ કરતા જોવાયા હતા. સ્વાભાવિક રીતે જ આ અવસરે કોંગ્રેસને સંગઠિત કરવાનું કામ કર્યું છે. હેરાલ્ડ કેસમાં આખરે અદાલતનો જે નિર્ણય આવે તે ખરો.

કોંગ્રેસના વરિષ્ઠોએ દર્શાવેલી પરિપક્વતા સરવાળે પક્ષને લાભકર્તા રહી છે. આ મુદ્દે અનેક દિવસો સુધી સંસદની કાર્યવાહી અવરોધવાની કોંગ્રેસની રણનીતિ યોગ્ય ન હતી. તેનાથી દેશમાં ખરાબ મેસેજ ગયો છે. એક વાર પક્ષની ઈમેજ બગડે પછી તેને સુધારવાનું કામ કપરું બની રહે છે. કોંગ્રેસે આ મામલાને બહુ ઉછાળ્યો ન હોત તો મીડિયાએ પણ તેને આટલું મહત્ત્વ આપ્યું ન હોત.

આખરે તો અદાલત માટે આ એક સામાન્ય કેસ જ હતો. એટલે તો સોનિયા-રાહુલ સહિતના આરોપીઓને કોઈ સુનાવણી વિના જ દસ મિનિટમાં જામીન મળી ગયા. હજુ કેસની આગામી તારીખે તેઓએ અદાલતમાં હાજર થવું પડશે. એ પછી દરેક તારીખે હાજર રહેવામાંથી તેઓ મુક્તિ મેળવી શકશે. આવા કેસમાં વધુ પડતો રાજકીય તમાશો બૂમરેંગ બની રહે છે, એ વાત ભવિષ્યમાં પણ તેઓેએ યાદ રાખવી પડશે.

You might also like