નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલને ફટકો, ITને આપ્યા તપાસના આદેશ

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ મામલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને હાઇકોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે. દિલ્હી હાઇકોર્ટે આ મામલે આવકવેરા વિભાગને તપાસ માટે મંજૂરી આપી દીધી છે. તમને જણાવી દઇએ કે નેશનલ હેરાલ્ડમાં યંગ ઇન્ડિયા, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો ભાગ છે.

આ પહેલાં નેશનલ હેરાલ્ડ મામલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની અરજીને નકારી દીધી હતી. જેના મારફતે સ્વામીએ કોંગ્રેસ અને એસોસિયટ જર્નલ લિમિટેડ એટલે ઇજેએલના એકાઉન્ટ અને બેલેન્સ શીટ સાથે જોડાયેલા દસ્તાવેજ માંગ્યા છે. આ નિર્ણયમાં આ મામલે આરોપી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તેમ જ અન્ય નેતાઓ માટે મોટી રાહત માનવામાં આવી રહી હતી.

આ પહેલાં નેશનલ હેરાલ્ડ મામલે ડિસેમ્બર 2015માં સોનિયા અને રાહુલ ગાંધી પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ થયા હતા અને કોર્ટ પાસેથી તેમણે જામીન માગ્યા હતા. બીજેપી નેતા અને વકીલ સુબ્રમણ્યમ સ્વામીએ ત્યારે તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે જો બંનેને જામીન મળશે તો તેઓ દેશ છોડીને ચાલ્યા જશે. ત્યાર બાદ જૂન 2016માં નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મોટી રાહત પ્રાપ્ત થઇ હતી.

http://sambhaavnews.com/

You might also like