નેશનલ બુક ફેરનાં વળતાં પાણીઃ ૧૧૫ સ્ટોલ ઘટ્યા!

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આગામી તારીખ ૧ થી ૭ મે, ર૦૧૬ સુધી પાલડીના એનઆઇડી કેમ્પસની પાછળ સાબરમતી રિવરફ્રન્ટ પાછળ પાંચમા અમદાવાદ નેશનલ બુક ફેરનું આયોજન કરાયું છે. પ્રથમ વખત સાબરમતી નદીના રમ્ય કિનારે નેશનલ બુક ફેર યોજાઇ રહ્યો છે તેમ છતાં આશ્ચર્યજનક રીતે પ્રકાશકોમાં તેનું આકર્ષણ ઘટ્યું છે.
ગત વર્ષના ચોથા અમદાવાદ નેશનલ બુક ફેરનું આયોજન તંત્ર દ્વારા પરંપરાગત રીતે ગુજરાત યુનિ.ના કન્વેન્શન સેન્ટરમાં કરાયું હતું. તે વખતે નેશનલ બુક ફેરમાં ર૮પ બુક સ્ટોલ નોંધાયા હતા, જોકે આ વખતે માંડ ૧૭૦ બુક સ્ટોલ નોંધાયા છે! અત્યાર સુધી પૂર્ણ એસી કન્વેન્શન સેન્ટરનું મ્યુનિ. તંત્રને ભાડું જ ચૂકવવું પડતું હતું, પરંતુ રિવરફ્રન્ટમાં બુક ફેરના આયોજનથી મ્યુનિ. તિજોરીને લાખો રૂપિયાનું આંધણ કરવું પડ્યું છે. મુખ્ય ડોમ સહિતના ચાર ભવ્ય એસી ડોમ લાખો રૂપિયાના ખર્ચે ઊભા કરાયા છે.

ટાગોરહોલ કરતાં મોટા ભવ્ય એસી ડોમમાં જે તે પ્રકાશકને ૧૦ બાય ૧૦ના સ્ટોલ સપ્તાહનું ભાડું રૂ.૧૦ થી ૩૦ હજાર સુધીનું લઇને ફાળવાયા છે. બુક ફેર દરમિયાન ૧રપ કલાકના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ઉપરાંત બાળકના કિડ્સ ઝોનમાં નવા આકર્ષણો ઉમેરાયા છે. ૧પ જેટલા ફૂડ કોર્ટના સ્ટોલ ખાણી-પીણીના રસિયાઓ માટે ઊભા કરાયા છે. આ નેશનલ બુક ફેરનું ઉદ્ઘાટન કોર્પોરેશનના પ્રભારી પ્રધાન શંકર ચૌધરીના હસ્તે આગામી તા.૧ મેની સવારે ૧૦ વાગ્યે કરાશે.

You might also like