રાષ્ટ્રગીત થિએટર અને જાહેર સ્થળ પર ના વગાડવું જોઈએઃ સોનુ નિગમ

મુંબઈઃ જાહેર સ્થળોએ રાષ્ટ્રગીત વગાડવા બાબતે ચાલી રહેલી ચર્ચામાં હવે બોલિવૂડના સિંગર સોનુ નિગમે પણ ઝંપલાવ્યું છે. સોનુએ કહ્યું કે, ”હું દરેક દેશનાં રાષ્ટ્રગીતનું સન્માન કરું છું.” જોકે સોનુનું માનવું છે કે સિનેમા હોલ અને રેસ્ટોરાં રાષ્ટ્રગીત વગાડવા માટે યોગ્ય જગ્યા નથી. સોનુએ એવું પણ કહ્યું કે, ”જો પાકિસ્તાની રાષ્ટ્રગીત વાગતું હોય અને બધા પાકિસ્તાનીઓ ઊભા થઈ જતા હોય તો હું પણ એ દેશ અને એ દેશના લોકોના સન્માનમાં ઊભો થઈ જઈશ. કોઈ પણ દેશના રાષ્ટ્રગીતને એટલું જ સન્માન આપવું જોઈએ, જેટલું પોતાના દેશના રાષ્ટ્રગીતનું કરતા હોઈએ.”

સોનુ નિગમે વધુમાં જણાવ્યું કે, ”કેટલાક લોકો કહે છે રાષ્ટ્રગીત થિએટરમાં વગાડવું જોઈએ તો કેટલાક લોકો કહે છે કે ત્યાં ના વગાડવું જોઈએ. રાષ્ટ્રગીત એક સન્માનિત અને સંવેદનશીલ મામલો છે અને મારું માનવું છે કે રાષ્ટ્રગીત કેટલીક જગ્યાઓ પર ન વગાડવું જોઈએ. આવી જગ્યાઓમાં થિએટર કે રેસ્ટોરાં સામેલ છે.” ઉલ્લેખનીય છે કે ગત સોમવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો હતો કે સરકાર નક્કી કરે કે રાષ્ટ્રગીત જાહેર સ્થળ પર કે થિએટરમાં વગાડવું ફરજિયાત કરવું જોઈએ કે નહીં.

હંમેશાં વિવાદમાં રહેતા સોનુ નિગમે કહ્યું, ”હું મારાં પેરેન્ટ્સનું સન્માન કરું છું. જો મને ખબર હોય કે કોઈ જગ્યાએ તેમને સન્માન નહીં મળે તો મારે તેઓને ત્યાં લઈ જવાં જોઈએ? હું ઇચ્છું છું કે તેઓ બહાર જાય તો તેમને સન્માન મળે. આ જ રીતે રાષ્ટ્રગીતને ત્યાં ના વગાડવું જોઈએ, જ્યાં તેને સન્માન ના મળે.”

સોનુ નિગમે કહ્યું કે, ”જો આપણે સારા અને સમજદાર વ્યક્તિ હોઈએ તો આપણે દરેક દેશના રાષ્ટ્રગીતના સન્માનમાં ઊભા થવું જોઈએ. હું પાકિસ્તાન કે અન્ય કોઈ પણ દેશના રાષ્ટ્રગીતના સન્માનમાં ઊભો થઈશ. જો અમેરિકાનું રાષ્ટ્રગીત વાગશે તો પણ હું ઊભો થઈશ. જો રાષ્ટ્રગીત વાગતું હોય તો શા માટે તેનું સન્માન ન કરવું જોઈએ? હું લેફ્ટિસ્ટક કે રાઇટિસ્ટ નથી, હું મધ્યમા છું.”

ઉલ્લેખનીય છે કે વર્ષની શરૂઆતમાં સોનુ નિગમે ધાર્મિક સ્થળોમાં લાઉડ સ્પીકરના ઉપયોગ સામે સવાલો ઉઠાવીને વિવાદ છેડ્યો હતો. સોનુએ કહ્યું હતું કે, ”રોજ સવારે લાઉડ સ્પીકર પર થતી અજાનથી મારી ઊંઘમાં ખલેલ પહોંચે છે.” સોનુના એ નિવેદને જબરદસ્ત વિવાદ છેડ્યો હતો અને સોનુએ લોકોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો.

You might also like