નાથદ્વારામાં વસે છે ભગવાન શ્રીનાથજી બાવા

શ્રીનાથજી એટલે ઐશ્વર્યના સ્વામી. તેઓ નાથદ્વારામાં સ્થિત છે. તે પુષ્ટિમાર્ગનું અત્યંત મહત્ત્વ ધરાવતું સ્વરૂપ છે. તે સાત વર્ષની ઉંમરના કૃષ્ણના સ્વરૂપ છે. તેમણે ડાબા હાથમાં મસ્તકની ઉપર ગોવર્ધન પર્વત ઊંચકેલો છે. જ્યારે જમણો હાથ કમળ પર વીંટાળેલો છે. આ સ્વરૂપ ૧.૩૭ મીટર ઊંચું અને સમચોરસ અાકારમાં ગોઠવાયેલું છે. પાછળના ભાગમાં પવિત્ર ગોવર્ધન પર્વત છે. હકીકતમાં સમગ્ર પીઠિકા ગવર્ધન પર્વતનું સ્વરૂપ જ સૂચવે છે. પીઠિકાની ઉપર મધ્યમાં ડાબી બાજુએ એક મુનિ પોપટ લઇને બેઠા છે. શ્રીનાથજીના ડાબા હાથ પાસે બે મુનિ ધ્યાનસ્થ મુદ્રામાં જોઇ શકાય છે. તેમની નીચે એક સાપ ફેણ ફેલાવી ઊભો છે. જ્યારે અન્ય એક આકૃતિ સિંહની છે. તે નૃસિંહજીનું પ્રતીક છે. તેની નીચે બે મોર છે. આ ઉપરાંત ડાબી બાજુએ મુનિની નીચે એક ઘેટું, એક સાપ અને બે ગાય છે જેઓ ગોવર્ધન પર્વતના રહેવાસી છે. તેઓ શ્રીનાથજીને આદરપૂર્વક જુએ છે. આ આકૃતિઓ અંગે મતમતાંતર છે. જાણીતા કળા નિષ્ણાત આનંદકુમાર સ્વામીના મત મુજબ આ સ્વરૂપ કુશાન સમયનું છે. જ્યારે રોબર્ટ સ્કેલ્ટના અભિપ્રાય પ્રમાણે આ સ્વરૂપ રાજસ્થાની તેમજ સોળમી અને સત્તરમી સદીનું છે. જ્યારે નાથદ્વારા તિલકાયત રહેલા સ્વ. ગોવિંદલાલજીના જણાવ્યા પ્રમાણે લાલાશ પડતું કાળું ઘન સ્વરૂપ ગોવર્ધન પર્વતના ખડક જેવું જ છે. સંપ્રદાયનો ઇતિહાસ જોતા માલુમ પડે કે આ સ્વરૂપ મથુરા મ્યુઝિયમમાં આવેલી સત્તરમા સૈકાની કૃષ્ણની પ્રતિમાને આ સ્વરૂપ મળતું આવે છે. આ પ્રતિમા ગુપ્તા સમયની પ્રતિમાનું નિખારેલું સ્વરૂપ છે. તેવો પણ એક મત છે. પુષ્ટિ સંપ્રદાયનાં લોકપ્રિય થયેલી દંતકથા પ્રમાણે શ્રીનાથજીની ઉર્ધ્વ વામ ભુજાજીનું પ્રાગટ્ય શ્રવણ નક્ષત્રમાં જુલાઇ ર૦, ૧૪૧૦ને રવિવારે ગોવર્ધન પર્વતની કંદરામાં થયું હતું. ૧૭ દિવસ સુધી શ્રીનાથજીના પ્રાગટ્યની કોઇને ખબર પડી ન હતી. ઓગસ્ટ ૬, ૧૪૧૦ (શ્રાવણ સુદ-પાંચમ)ને દિવસે ખોવાયેલી ગાયને શોધવા પર્વત ઉપર આવેલા આયોજનવાસીઓે પ્રભુની ઉર્ધ્વ વામ ભુજાના સમૂહ દર્શન થયાં. તે સાપનું દૈવી તત્ત્વ હોય તેવી રીતે તેની પૂજા થતી. વ્રજવાસીઓ પ્રતિમાને દૂધ અર્પણ કરતાં. તેમના મુખનાં દર્શન ૬૯ વર્ષ પછી ઇ.સ. ૧૪૭૯માં થયો. આજ સમયે શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો જન્મ થયો હતો. યોગાનુયોગ એ જ ‌દિવસે અષ્ટસખાનાં એક શ્રી સુરદાસજીનો જન્મ થયો હતો. શ્રી વલ્લભાચાર્યના શિક્ષક રહેલા વારાણસીના માધવેન્દ્ર યતિએ નાની ઝૂંપડી બનાવીને આ પ્રતિમાનું સ્થાપન કર્યું અને સાદી રીતે પૂજાની શરૂઆત કરી. ઇ.સ. ૧૪૯૩માં શ્રી વલ્લભાચાર્ય તેમના બે શિષ્યો- કૃષ્ણવાસ મેઘન અને દામોદારદાસ હરસાની સાથે ગોવર્ધન પર્વત પર આવી પહોંચ્યા. તેમની આ મુલાકાત અકસ્માત ન હતી. પરંતુુ મારવાડમાં આવેલા ઝારખંડમાં તેમને મળેલી દૈવી સૂચનાના ભાગરૂપે જ હતી. એમ કહેવાય છે કે તેમને દૈવી અવાજ સંભળાયો હતો. જેમાં ગોવર્ધન પર્વત પર જવાની તેમને સૂચના આપવામાં આવી હતી. ગોવર્ધન પર્વત તરફ જતા રસ્તામાં તેમણે ગોકુલમાં વિશ્રામ કર્યો. તે મધ્ય રાત્રિએ તેઓ અચાનક ઊંડી નિંદ્રામાંથી જાગી ગયા એને શ્રીનાથજીને તેમની સન્મુખ જોયા. ભગવાને તેમને પ્રભુભક્તિની ખોજમાં નીકળેલા તમામ સાચા ભક્તોને નામસ્મરણ કરાવવાની સૂચના આપી. શ્રી વલ્લભાચાર્યે પવિત્રા ધરાવી તેમનું સ્વાગત કર્યું. ભગવાનને તેમણે ઉપર્ણ અને મિસરી ધર્યા. જે તેમણે બીજા દિવસે પૂજા માટે અલગ રાખ્યા હતા. શ્રીનાથજી ત્યારબાદ અદૃશ્ય થઇ ગયા.•
શાસ્ત્રી
હિમાંશુ
વ્યાસ

You might also like