નાથદ્વારા એટલે શ્રીજીનું ભવ્ય પ્રવેશદ્વાર

મધ્ય રાજસ્થાનમાં ઉદયપુર શહેરતી વાયવ્ય દિશામાં ૪૮ કિ.મી. દૂર નાથદ્વારા નગર આવેલું છે. સમગ્ર પ્રદેશ ખડકાળ અને ઉજ્જડ છે. નાથદ્વારાની નજીક એક માત્ર નદી બનાસ આવેલી છે જે એક સમયે સમગ્ર નગર માટે પાણીનો એક માત્ર સ્રોત હતી.
ઓગણીસમી સદીમાં યાત્રાળુઓ સમૂહમાં દર્શનાર્થે જતા જેથી ડાકુઓ સામે રક્ષણ મળી રહે. રસ્તામાં સારી સગવડો પણ ન હતી. ગ્રામવાસીઓ ખોરાક પાણીની વ્યવસ્થા કરી આપતા. આજે સાવ સરળતાથી ભય કે મુશ્કેલી વગર યાત્રાળુઓ દર્શનાર્થે જઈ શકે છે.
નાથદ્વારના બધા જ રસ્તા મંદિર તરફ વળતા હોય છે. સ્વાભાવિક રીતે મંદિર નાથદ્વારાનું કેન્દ્ર છે. નગરના મકાનો પર હાથીનાં તેજસ્વી ચિત્રો દોરેલાં જોવા મળે છે.
મંદિર પાસેના રસ્તાને દરેક દિશાનો રસ્તો મળે છે. મંદિર તરફ જવાનો રસ્તો બે મીટર જેટલો સાંકડો છે. રસ્તાની બંને બાજુએ આવેલી દુકાનોમાં જુદી જુદી વસ્તુઓ સુશોભિત કરીને વેચવા માટે હોયછે. અહીં વીસેક જાતના પ્રસાદ મળે છે. ગલીના અંતે ભવ્ય પ્રવેશદ્વાર છે જે ‘લાલ દરવાજા’ તરીકે ઓળખાય છે. તે શ્રીનાથજીની ભવ્ય હવેલીનું પ્રવેશદ્વાર છે.
શ્રીનાથજીની હવેલી
શ્રીનાથજી એ પુષ્ટિમાર્ગના અનુયાયી માટે મૂર્તિ નથી પણ જીવતું જાગતું બાળ સ્વરૂપ છે. તેનું સ્થાનક છે હવેલી. આ હવેલી એ રાજઠાઠ ધરાવતું નંદાલય છે. શ્રીનાથજીની હવેલી મંદિરના કેન્દ્રમાં છે. હવેલી એ રાજસ્થાનના રાજકુમારોનાં મહેલનું પ્રતીક છે.
ઊંચી હવેલીવાળા આ મહાલયમાં ભૂલભૂલામણીથી ભરપૂર ઓરડા છે. બે ઓરડાને જોડતા નાના રસ્તા તેમજ ઉપર નીચે જવા આવવા માટે નાની નાની સાંકડી નીસરણીઓ રાજસ્થાનના ભવ્ય પ્રાસાદોનું પ્રતીક છે. હવેલીનો ભાગ તિલકાયતના પ્રાસાદ સાથે જોડાયેલો છે. સંપ્રદાયના અધિષ્ઠાતા તે દરવાજાનો ઉપયોગ કરે છે. હવેલીના દરેક ભાગમાં પુષ્કળ પ્રમાણમાં ભીંતચિત્રો તેમ જ કાપડ અને લાકડાં પરનાં પેઈન્ટિંગ જોઈ શકાયછે. આ ચિત્રો સમગ્ર ઇતિહાસ નજર સામે તાદૃશ્ય કરે છે.
હવેલીની ઓરડા જુદા જુદા ઉપયોગ માટે છે. શ્રીનાથજીના ગર્ભગૃહ ઉપરાંત અંદરના ભાગમાં તેને જોડતી નાની રૂમો, ઓફિસ, સ્ટોરરૂમ, રસોડું, જુદી જુદી સેવા માટેના ઓરડા વગેરે આવેલાં છે. આભૂષણો માટે એક અલગ રૂમ છે. ભોંયતળિયાથી માંડીને છેક ટોચ ઉપર જવા માટે અલગ રસ્તા છે. હથિયારધારી ચોકીદાર અહીં સતત ચોકી કરે છે અને પ્રતિબંધિત વિસ્તારાં અનુયાયીઓને જતા રોકે છે. સામાન્ય રીતે ભક્તો ભોંયતળિયાના ભાગનો જ વધુ ઉપયોગ કરે છે.
હવેલીની તમામ જગ્યાઓનું એક ખાસ મહત્ત્વ એ છે, તે પુષ્ટિમાર્ગ સાથે સંબંધિત છે. હવેલીએ નંદાલયની ભાવના છે જે વ્રજમાં આવેલું શ્રીજીનું અસલ નિવાસસ્થાન છે.
અહીંના અગણિત પ્રતીકો જુદી જુદી ભાવના ધરાવે છે, જે કૃષ્ણકથાને અનુસરે છે.
નાથદ્વારા એ વ્રજ છે, અહીંની બનાસ નદી એ યમુના છે અને નગર બહાર આવેલી ટેકરીઓ એ વ્રજની ટેકરીઓ છે. શ્રીનાથજીની હવેલીનું મુખ્યદ્વાર મધ્યયુગના કિલ્લા જેવું લાગે છે. લાકડાના આ વિશાળ દ્વારા લાલ દરવાજા લોખંડની પ્લેટો જડેલી છે. તેમાં લોખંડના સળિયા લગાવેલા છે. આ મુખ્ય દરવાજો ‘લાલ દરવાજા’ તરીકે ઓળખાય છે. આ નામ બાલકૃષ્ણ-યશોદાના લાલ પરથી આપવામાં આવેલું છે. આનો ભાવ એ છે કે લાલ દરવાજાની ભીતર શ્રી યશોદાના લાલ શ્રીનાથજી બિરાજે છે.

You might also like