નાસા પ્રથમ અવાજરહિત સુપર સોનિક પ્રવાસી વિમાન બનાવશે

વોશિંગ્ટન: અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા હવે કંપની લોકહીડ માર્ટિન સાથે અવાજની ઝડપે ઊડનારું સુપર સોનિક પ્રવાસી વિમાન તૈયાર કરી રહી છે. આ વિમાનની ખાસિયત એ હશે કે આટલી ઝડપ હોવા છતાં આ વિમાન ઉડ્ડયન વખતે સહેજ પણ અવાજ (સુપર સોનિક બૂમ) નહીં કરે.

અત્યાર સુધી સુપર સોનિક ટેકનિક માત્ર ફાઈટર પ્લેનમાં જ ઉપયોગમાં લેવાતી હતી. હવે નાસા પ્રથમવાર પ્રવાસી વિમાનમાં તેનો ઉપયોગ કરવા માગે છે. ન્યૂયોર્કથી દિલ્હી પહોંચતાં આ વિમાનને માત્ર સાત કલાક લાગશે. સુપર સોનિક વિમાનની મહત્તમ સ્પીડ પ્રતિ કલાક ૧૫૯૨ કિ.મીની હશે.

નાસાએ આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે લોકહીડ માર્ટિન પર પસંદગી ઉતારી છે. આ માટે નાસાએ આ કંપનીને ૨૪૭.૫ મિલિયન ડોલર્સનો (રૂ. ૧૬૦૦ કરોડ) કોન્ટ્રેક્ટ આપ્યો છે. રિપોર્ટ અનુસાર આ કોન્ટ્રેક્ટ હેઠળ લોકહીડ માર્ટિને ૨૦૧૬માં જ આ વિમાનની ડિઝાઈન તૈયાર કરી લીધી હતી. વિમાનની લંબાઈ ૯૪ ફૂટની આસપાસ રહેશે.

જ્યારે તેનો વિંગસ્પાન (પાંખોનો ફેલાવ) ૨૯.૫ હશે. ડિઝાઈનની દૃષ્ટિએ આ વિમાનનું વજન અન્ય પ્રવાસી વિમાન કરતાં ઘણું હળવું એટલે કે ૩૨,૦૦૦ પાઉન્સની આસપાસ હશે.

લોકહીડ માર્ટિન નાસાને ૨૦૨૧ના અંત સુધીમાં વિમાનનો એક પ્રોટોટાઈપ બનાવીને ડિલિવર કરશે. નિયમોનુસાર અત્યારે દુનિયાના મોટાભાગના દેશોમાં સુપર સોનિક ફ્લાઈટ્સના તેજ અવાજને લઈને તેના પર પ્રતિબંધ છે.

જોકે ટેસ્ટ ફ્લાઈટ દ્વારા નાસા એ જાણવાની કોશિશ કરશે કે સુપર સોનિક ટેકનિકથી નાગરિકોને તેની હાજરી કેટલા અંશે ખબર પડે છે એવું માનવામાં આવે છે કે વિમાનનું ટેસ્ટિંગ ૨૦૨૫ સુધી ચાલુ રહેશે અને ત્યાર બાદ તેનો ડેટા ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) અને ઈન્ટરનેશનલ સિવિલ ઓર્ગેનાઈઝેશન (આઈસીએઓ)ને મોકલવામાં આવશે અને કોમર્શિયલ સુપર સોનિક ફ્લાઈટ માટે નિયમોમાં સુધારા કરવાની અપીલ કરશે.

You might also like