નાસાએ ખોઈ નાખ્યો ચાંદ પર પહેલું પગલું મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગનો સ્પેસ સૂટ

વોશિંગ્ટન: ચાંદ પર પહેલો પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગના સ્પેસ સૂટ સહિત ઘણો મહત્ત્વપૂર્ણ સામાન નાસાએ ખોઇ નાખ્યો છે. આ ખુલાસો નાસાના મહાનિરીક્ષક કાર્યાલયના એક રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે ઘણી ઐતિહાસિક વસ્તુઓ ખોવાઇ ગઇ છે અથવા કેટલાક પૂર્વ કર્મચારીઓ તેને પોતાની સાથે લઇ ગયા છે.

રિપોર્ટ મુજબ આ વસ્તુઓનું નાસા અને દેશ માટે ઐતિહાસિક મહત્ત્વ હતું, જેનું ધ્યાન રાખવામાં સ્પેસ એજન્સી નિષ્ફળ રહી છે. રિપોર્ટ મુજબ ખોવાયેલા સામાનમાં ર૦૧૪ દરમિયાન અલ્બામામાં મળેલું ચંદ્રયાનનું પ્રોટોટાઇપ પણ સામેલ છે. આ પ્રોટોટાઇપના માલિક આ યંત્ર નાસાને વેચવા તૈયાર હતા.

તેમણે ચાર મહિના સુુધી સ્પેસ એજન્સીના જવાબની રાહ જોઇ. ત્યાર બાદ ચંદ્રયાનનું પ્રોટોટાઇપ ભંગારમાં વેચી દેવાયું. નાસાના સ્ક્રેપયાર્ડના માલિકે આ યંત્રને ખરીદવાની કોશિશ કરી હતી, પરંતુ તેને વેચવાનો ઇનકાર કરાયો. સાથે-સાથે ચંદ્રયાનના ઐતિહાસિક મૂલ્યને સમજતાં તેની હરાજી કરી દેવાઇ. નાસા અને મહાનિરીક્ષક કાર્યાલયને ચંદ્રયાનના પ્રોટોટાઇપની હવે કોઇ જાણકારી નથી.

નાસાએ એપોલો-૧૧ની એક બેગ પણ ખોઇ નાખી છે, જેમાં ચંદ્રમાંની ધૂળના કણ હતા. અધિકારીઓએ ર૦૧૩માં આ બેગ ફરી વખત મેળવી, પરંતુ ર૦૧પમાં યુએસ માર્શલ સેવાના એક અધિકારીએ માત્ર ૯૯પ ડોલર માટે આ બેગ કોઇ સામાન્ય નાગરિકને વેચી દીધી.

નાસાએ આ બેગને મેળવવા માટે કેસ પણ દાખલ કર્યો, પરંતુ સફળતા ન મળી. જુલાઇ-ર૦૧૭માં આ બેગની ૧.૮ મિ‌લિયન ડોલરમાં હરાજી થઇ ગઇ. અંતરિક્ષ મિશન માટે તૈયાર કરાયેલી ઓમેગા સ્પીડ માસ્ટર પ્રોફેશનલ વોચ પણ નાસા હવે ગુમાવી ચૂક્યું છે.

આ ઘડિયાળની હરાજી ડિસેમ્બર-ર૦૧૪ દરમિયાન લંડનમાં થઇ હતી. સ્થાનિક સરકારે આ વોચને ખરીદી હતી અને મ્યુઝિયમમાં રાખી હતી. નાસાના ખરાબ રેકોર્ડના કારણે સાબિત ન થઇ શકયું કે જર્મન અંતરિક્ષયાત્રી રેનહાર્ડ ફુરરે આ ઘડિયાળનો ઉપયોગ સ્પેસ મિશન દર‌િમયાન કર્યો હતો કે નહીં.

ચંદ્ર પર પહેલો પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગના સ્પેસ સૂટની ૩૦ ઓક્ટોબરના રોજ ૧૧,૦૦૦ ડોલરમાં હરાજી થઇ. આ ડ્રેસ પર નીલા રંગમાં નાસા પણ લખેલું હતું.

You might also like