નારોલમાં સ્કૂલ બસ નીચે વિદ્યાર્થિની કચડાઈ ગઈ

અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં રહેતી એક ૧૨ વર્ષીય વિદ્યાર્થિનીનું તેની જ સ્કૂલ બસના પાછલા વ્હીલમાં અાવી જતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટના બનતાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને રોષે ભરાયેલા ટોળાઅે બસ ઉપર પથ્થરમારો કર્યો હતો અને બસના કાચ તોડી નાખ્યા હતા. ઘટના બાદ અારોપી બસચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નારોલ વિસ્તારમાં અાવેલા રંગોળીનગરનાં છાપરાંમાં રાજેશભાઈ વેલુભાઈ ઉગરેજિયા પોતાના પરિવાર સાથે રહે છે. તેમની ૧૨ વર્ષીય પુત્રી કશિશ નારોલ વિસ્તારમાં અાવેલી મ્યુનિસિપલ શાળા નંબર-૨માં અભ્યાસ કરતી હતી. ગઈ કાલે સાંજના સમયે કશિશ સ્કૂલ બસથી પરત અાવી હતી અને નારોલના ચૈતન્ય ફ્લેટ નજીક અાવેલી જગ્યામાં બસ ચાલક બસ રિવર્સમાં લેતો હતો ત્યારે કશિશને પાછલા વ્હીલમાં અાવી જતાં ગંભીર ઇજાઅો પહોંચી હતી. કશિશને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સમાં એલજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

જોકે સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું. ઘટના બનતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને ટોળાઅે બસ પર પથ્થરમારો કર્યો હતો. અા અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી અારોપી બસચાલકની શોધખોળ હાથ ધરી છે.

You might also like