નારોલમાં દેશી દારૂના અડ્ડા પર યુવકને છરીના ઘા ઝીંકાયા

અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં આવેલ ગૌતમનગરમાં ગઇ કાલે મોડી રાતે દેશી દારૂના અડ્ડા પર એક યુવકને છરીના ઘા ઝીંકીને હત્યા કરવાની કોશિશ કરાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. દારૂ પીને મસ્તી કરવાની બાબતે બુટલેગર અને એક દારૂ‌િડયાે યુવક પર છરી વડે હુમલો કરીને નાસી ગયા છે.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર નારોલ વિસ્તારમાં આવેલ ગૌતમનગરમાં લાલા નામના બુટલેગરનો દેશી દારૂનો અડ્ડો આવેલો છે. ગઇ કાલે રાતે અર્જુન ગૌતમભાઇ સરદાર દારૂ પીવા માટે લાલાના અડ્ડા પર ગયો હતો, જ્યાં પહેલાંથી એક મારવાડી દારૂ પીને ધમાલ-મસ્તી કરતો હતો. મારવાડી દારૂ પીને બીભત્સ ગાળો બોલતો હતો ત્યારે લાલાએ તેને ગાળો બોલવા તેમજ મસ્તી કરવાની ના પાડી હતી. લાલાએ કહ્યું હોવા છતાંય મારવાડીએ મસ્તી ચાલુ રાખી હતી.

તે દરમિયાન અર્જુને મારવાડીને ખખડાવીને અડ્ડામાંથી બહાર નીકળી જવા કહ્યું હતું. અર્જુનની આ વાત પર લાલો ઉશ્કેરાયો હતો અને વચ્ચે નહીં બોલવા માટે કહ્યું હતું તેમ છતાંય અર્જુને મારવાડીને બહાર કાઢવાની કોશિશ કરી હતી. જોતજોતામાં મામલો એ હદે વણસ્યો કે મારવાડી અને લાલાએ અર્જુન પર ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી દીધા હતા અને ભાગી ગયા હતા. લોહીથી લથપથ હાલતમાં અર્જુન જમીન પર પડ્યો હતો ત્યારે એક બાળકે તેનાં માતા- પિતાને જાણ કરી હતી. અર્જુનને ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની હાલત નાજુક છે. વટવા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને હુમલોખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે

You might also like