નારોલ જંકશન પરના ફલાય ઓવરબ્રિજના કામથી સર્જાયેલી અવ્યવસ્થાથી લોકો પરેશાન

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો દ્વારા ગઈ કાલે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મેમ્કો ફલાય ઓવરબ્રિજ તેમજ સોલા ફલાય ઓવરબ્રિજ બનાવવાના બે આશરે રૂ.૧૧૫ કરોડના બે બ્રિજ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. શહેરમાં એક અથવા બીજા પ્રકારના બ્રિજ પ્રોજેક્ટ ટ્રાફિક જામના પ્રશ્નના નિરાકરણ માટે હાથ ધરાય છે. નારોલ સર્કલ જેવા કેટલાક બ્રિજ પ્રોજેક્ટમાં તંત્રને રાજ્ય સરકાર નાણાકીય ભંડોળ પૂરું પાડે છે. પરંતુ નારોલ સર્કલના નિર્માણકાર્યનાં પ્રારંભથી સર્જાયેલી અવ્યવસ્થાથી લોકો આજે પણ પરેશાન છે.

શહેરના નરોડા નારોલ હાઈવે પર આવેલા નારોલ સર્કલ પર પહેલા ફલાય ઓવરબ્રિજનું નિર્માણ હાથ ધરાયું હતું. અહીંથી દરરોજનાં એક લાખ વાહન પસાર થાય છે. આશરે ૧૦૦ મીટર લાંબા અને ચાર લેન ધરાવતા આ ફલાય ઓવરબ્રિજ પ્રોજેક્ટની ગોકળ ગાય ગતિથી નાગરિકો તોબા પોકારી ઊઠતાં હવે ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓએ યુદ્ધ સ્તરે નિર્માણ કાર્ય હાથ ધર્યું છે.

રાજ્ય સરકાર દ્વારા આશરે રૂ.૬૫ કરોડના ખર્ચે બનનારા આ ફલાય ઓવરબ્રિજનું આગામી દિવસોમાં ઉદ્ઘાટન કરીને લોકોને વાહવાહ મેળવવા શાસકો અધીરા બન્યા છે.

પરંતુ આ પ્રોજેક્ટથી સર્જાયેલી અવ્યવસ્થાને દૂર કરવાનો કોઈ પ્રયાસ કરાતો નથી. નરોડા હાઈવેને પીરાણા રોડ સાથે જોડનારો આ ફલાય ઓવરબ્રિજના પ્રોજેક્ટથી મહિનાઓ સુધી ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત થઈ હતી. નારોલનો બીઆરટીએસ કોરિડોર અસ્તવ્યસ્ત થઈ જવાથી ઉતારુઓ ત્રાસી ઊઠ્યા હતા. પરંતુ આજે પણ તંત્રની ઉપેક્ષાના કારણે સેન્ટ્રલ વર્જનું નામોનિશાન રહ્યું નથી. ટ્રાફિકની અવરજવરથી વ્યસ્ત નારોલ સર્કલમાં સેન્ટ્રલ વર્જ ઉખાડી લેવાઈ હોવાથી છાશવારે નાના મોટા અકસ્માત સર્જાય છે. આ તો ઠીક રોડ પર ફેલાયેલી માટી પણ વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો કરે છે. તંત્રના કોઈપણ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની ધામધૂમમાં સામાન્ય મેન્ટેનન્સનાં કામને સત્તાવાળાઓ સિફતપૂર્વક નજર અંદાજ કરે છે તેનું વધુ એક ઉદાહરણ નારોલ સર્કલ ફલાય ઓવર પ્રોજેક્ટ છે.

You might also like