નારોલ અને હાટકેશ્વર સર્કલ સહિતનાં સર્કલ હવે નાનાં કરાશે

અમદાવાદ: અમદાવાદમાં જાહેર પરિવહન સેવાનાં બંને માધ્યમ એટલે કે એએમટીએસ અને બીઆરટીએસ ઉતારુઓને અસરકારક સેવા પૂરી પાડવામાં નિષ્ફળ ગયાં છે. મોટા ભાગના શહેરીજનો પણ પોતાના વાહન વસાવવાનું વધુ પસંદ કરે છે. આનાથી રસ્તા પર વાહનોનું ભારણ વધતાં ટ્રાફિકના પ્રશ્નો સર્જાય છે. વિશાળકાય ટ્રાફિક સર્કલ પણ ટ્રાફિક જામમાં વધારો કરે છે. પરિણામે શાસકોએ નારોલ અને હાટકેશ્વર સર્કલને નાનાં કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે.

શહેરની ટ્રાફિક વ્યવસ્થાને ઝડપી અને સરળ બનાવવા માટે કોર્પોરેશન દ્વારા દર વર્ષે નવા બ્રિજ પ્રોજેકટનું આયોજન હાથ ધરાય છે. ઔડા તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી પણ રિંગરોડ ખાતે ફલાય ઓવરબ્રિજ બની રહ્યા હોઇ નારોલ જંકશન ખાતેના નિર્માણાધીન ફલાય ઓવરબ્રિજ આનું એક ઉદાહરણ છે. અમદાવાદમાં પ૦ જેટલા ફલાય ઓવરબ્રિજ, રેલવે ઓવરબ્રિજ અને અંડરપાસ હોઇ ચાલુ વર્ષે ઓઢવના રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા તેમજ અજિત મિલ ચાર રસ્તા બ્રિજ પ્રોજેકટની જવાબદારી રાજ્ય સરકારે ઉપાડી લીધી છે.

જોકે વિશાળકાય ટ્રાફિક સર્કલ સામે શહેરીજનો તેમજ સ્વપક્ષના જ કોર્પોરેટરોના વ્યાપક વિરોધ વંટોળને ધ્યાનમાં રાખીને શાસકોએ હાલના નારોલ અને હાટકેશ્વર સર્કલને નાનાં બનાવવાનો નિર્ણય લીધો છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભાજપના સભ્ય ગૌતમ પટેલે નારોલ સર્કલ અને ડો. સૂજય મહેતા અંજલિ સર્કલને નાનું બનાવવાની ઉગ્ર રજૂઆત કરી ચૂક્યા છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલને પૂછતાં તેઓ કહે છે, આ ત્રણેય સર્કલ પરથી ફલાય ઓવરબ્રિજ પસાર થવાના હોઇ ટ્રાફિકની સમસ્યાને વધુ હળવી કરવા તેને નાનાં કરવાની તંત્રને સૂચના અપાઇ હોઇ અંજ‌િલનું સર્કલ નાનું કરી દેવાયું છે. નારોલ સર્કલ માટે નવી ડિઝાઇન બની રહી છે. શહેરના અન્ય વિસ્તારોના વિશાળકાય ટ્રાફિક સર્કલનેે પણ નાનાં કરાશે.
http://sambhaavnews.com/

You might also like