નારોલ-અસલાલી હાઈવે પર એક સાથે પાંચ દુકાનોનાં તાળાં તૂટ્યાં

અમદાવાદ: નારોલ – અસલાલી હાઈવે પર ગુરુવારે મોડી રાતે તસ્કરોએ ત્રાટકયા હતા. કોમ્પ્લેક્સમાં અવળી મોબાઈલની દુકાનમાંથી રૂ.૭૬ હજારના મોબાઈલ ફોન મળી અન્ય પાંચ દુકાનોનાં તાળાં પણ તોડ્યાં હતાં. વટવા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ નારોલ ગામમાં આવેલી કૃષ્ણધામ સોસાયટીમાં હર્ષિલભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. નારોલ – અસલાલી હાઈવે પર આવેલા કૃષ્ણવિલા કોમ્પ્લેક્સમાં તેઓ મોબાઈલ ફોન રિપેરિંગ અને વેચાણની દુકાન ધરાવે છે. ગુરુવારે રાતે તેઓ દુકાન બંધ કરી ઘરે ગયા હતા. દરમ્યાનમાં મોડી રાતે તસ્કરોએ દુકાનનાં તાળાં તોડી નવા મોબાઈલ ફોન અને રિપેરિંગમાં આવેલા મળી કુલ ૪૩ મોબાઈલ ફોન ચોરી કરી ગયા હતા.

વહેલી સવારે અન્ય દુકાનના માલિકે ફોન કરી જાણ કરતા હર્ષિલભાઈ દુકાને દોડી આવ્યા હતા. દરમ્યાનમાં નારોલ ગામમાં પણ એક તેલની દુકાનમાં તેમજ અલગ અલગ દુકાનોમાં પણ તાળાં તોડી ચોરીનો પ્રયાસ થયો છે. વટવા પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નરોડા વિસ્તારમાં પણ રાતે સાડા નવ વાગ્યે દૂધ લેવા નીકળેલી મહિલાના ગળામાંથી બે અજાણ્યા શખ્સ સોનાના દોરાની લૂંટ કરી નાસી ગયા હતા. નરોડા પોલીસે પણ આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

You might also like