નરોડાના શ્રદ્ધાળુઓને નાસિક પાસે અકસ્માત નડયોઃ ૩૮ ઘાયલ

અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં આવેલા એક યાત્રાસંઘની બસને મહારાષ્ટ્રના નાસિક પાસે અકસ્માત નડયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર અંગેની વિગતો એવી છે કે મહારાષ્ટ્રમાં થયેલા આ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત ૩૮ લોકોને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. કેટલાક ઘાયલોને સારવારઅર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

આ અંગેની વિગત એવી છે કે નરોડા વિસ્તારમાં આવેલા એક યાત્રાસંઘની બસ બે દિવસ પહેલાં મહારાષ્ટ્રના નાસિક અને શિરડીના દર્શનાથે ગઇ હતી. બસમાં ૪૦ જેટલા શ્રદ્ધાળુઓ હતા. ગઇ કાલે યાત્રાસંઘની આ બસના યાત્રાળુ દર્શન કરી અમદાવાદ પરત ફરી રહ્યા હતા ત્યારે બસના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં બસ પલટી ખાઇ ગઇ હતી.

યાત્રાસંઘ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર અકસ્માતમાં ૧૭ મહિલા, ૧૮ પુરુષ અને ત્રણ બાળકોને ઇજા પહોંચી હતી. આ તમામ ઇજાગ્રસ્તોને ગઇ કાલે મોડી રાત્રે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાયા હતા. આ તમામ યાત્રાળુની હાલમાં સિવિલમાં ઘનિષ્ઠ સારવાર ચાલી રહી છે. આ લખાય છે ત્યાં સુધી કોઇનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું નથી. અકસ્માત અંગે દર્શનાર્થે ગયેલા શ્રદ્ધાળુઓના પરિવારજનોને જાણ થતા હોસ્પિટલ ખાતે દોડી
ગયા હતા.

You might also like