નરોડામાં રૂ.૧૧.૮૦ લાખ લૂંટનાર બે રીઢા અારોપી ૭૨ કલાકમાં જ પકડાયા

અમદાવાદ: નરોડાની ભાગ્યોદય સોસાયટી, વિભાગ-1માં આવેલી વિષ્ણુપાર્ક સોસાયટીમાં શુક્રવારે રાત્રે બાઈક લઈને ઘૂસેલા બે લૂંટારુઓ માત્ર 30 સેકન્ડમાં વેપારી ભરત પટેલના હાથમાંથી રૂ.11.80 લાખ ભરેલી બેગ ખેંચીને ફરાર થઇ જવાના ચકચારી કિસ્સામાં ક્રાઇમ બ્રાંચે માત્ર 72 કલાકમાં સમગ્ર ઘટનાનો ભેદ ખોલીને લૂંટારુઓની ધરપકડ કરી છે.

નરોડામાં દેવી સિનેમા પાસે આવેલી ભાગ્યોદય સોસાયટીમાં રહેતા ભરતભાઇ પટેલની નરોડામાં સૂતરના કારખાના પાસે બી.એમ. ટ્રેડર્સ નામે દુકાન આવેલી છે. વર્ષોથી વેપાર કરતા ભરતભાઇ પટેલ ત્રણ દિવસથી બહારગામ ગયા હતા અને ગુરુવારે તેમના ઘરે આવીને શુક્રવારે રાબેતા મુજબ તેમણે ધંધો શરૂ કર્યો હતો. ઉઘરાણીના 11.80 લાખ રૂપિયા તથા વકરાના રૂપિયા બેગમાં લઇને રાતે ભરતભાઇ કાર લઇને પોતાના ઘરે પહોંચ્યા હતા. તે સમયે સોસાયટીમાં બાઇક લઇને આવેલા બે લૂંટારુઓ ભરતભાઇના હાથમાંથી રૂપિયા ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયા હતા.

માત્ર 30 સેકન્ડમાં લૂંટારુઓ 11.80 લાખ રૂપિયા ભરેલો થેલો લઇને રોંગ સાઇડમાં પુરઝડપે બાઇક ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં સરદારનગર પોલીસ, ક્રાઇમ બ્રાંચનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે વિષ્ણુપાર્ક ઉપરાંત આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસતાં કુલ 10થી વધુ સીસીટીવી કેમેરામાં લૂંટારુઓ કેદ થયા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભરત પટેલની પૂછપરછ કરી તેમની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓના ફોન નંબર-સરનામાં સહિતની વિગતો લીધી હતી.

ક્રાઇમ બ્રાંચે સીસીટીવી ફૂટેજ તપાસતાં તથા બાતમીના આધારે માહિતી મળી હતી કે આ લૂંટ કેસમાં છારા ગેંગ સંડોવાયેલી હોઈ તે દિશામાં તપાસ કરતાં ઘટનાના 72 કલાક પછી ક્રાઇમ બ્રાંચે સરદારનગર વિસ્તારમાં રહેતા સિદ્ધાર્થ ઉર્ફે ઇલુ બાટુન્ગે અને એક સગીરની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચની પ્રાથમિક પૂછપરછમાં બન્ને આરોપીઓ છેલ્લા દસ દિવસથી ભરતભાઇની રેકી કરતા હતા. આ સિવાય ભરતભાઇ રોજેરોજ લાખો રૂપિયા બેગમાં લઇને તેમના ઘરે આવે છે તેની પણ માહિતી મળી હતી. આ મુદ્દે ક્રાઇમ બ્રાંચના જેસીપી જે.કે.ભટ્ટે જણાવ્યુ છે કે બન્ને આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ ચોરીના ગુના દાખલ થયા છે. સ્કૂટર તથા એક્ટિવાની ડેકીમાંથી ચોરી કરવામાં માહેર છે ત્યારે ગઇ કાલે મોડી રાતે તેમની ધરપકડ કરી છે અને લૂંટમાં ઉપયોગ કરાયેલું બાઇક પણ કબજે કર્યું છે. આરોપીઓએ તેમના જ બાઇક ઉપર આ ઘટનાને અંજામ આપ્યો છે.

You might also like