નરોડા પાટિયા કેસના ચાર દોષિતને સુપ્રીમે જામીન આપ્યા

(અમદાવાદ બ્યૂરો): સુપ્રીમ કોર્ટે ર૦૦રના નરોડા પાટિયા રમખાણ કેસમાં ચાર અપરાધીઓની જામીન પર છોડવાની અરજી પર સુનાવણી કરીને તેઓને જામીન પર છોડવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે અપરાધીઓની સજા હાલ શંકાસ્પદ જણાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં ગોધરાકાંડ પશ્ચાત્ય ફાટી નીકળેલાં રમખાણોમાં એક રોષે ભરાયેલાં ટોળાંએ ૯૭ લોકોની હત્યા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટે આ ચારેય આરોપીઓને ૧૦ વર્ષની સજા ફટકારી હતી. તેની સામે અપરાધીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની આજે સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરાયેલ ચાર દોષિતો ઉમેશભાઇ સુરાભાઇ ભરવાડ, રાજકુમાર, હર્ષદ ઉર્ફે મુંગડા જિલ્લા ગોવિંદ છારા પરમાર અને પ્રકાશભાઇ રાઠોડને જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો. જોકેે સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્ધારિત સામાન્ય શરતોને આધીન જામીન મંજૂર કર્યા હતા.

નરોડા પાટિયા કેસમાં ગુજરાત હાઇકોર્ટે ગઇ સાલ બજરંગદળના નેતા બાબુ બજરંગીને અપરાધી ઠરાવ્યા હતા, પરંતુ ભાજપના પૂર્વ પ્રધાન માયા કોડનાનીને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકયા હતા. સુપ્રીમે સુનાવણી દરમિયાન એવું જણાવ્યું હતું કે બજરંગદળના નેતા બાબુ બજરંગી અને અન્યોની અપીલ પણ સ્વીકારી લીધી છે. સુનાવણી દરમિયાન નરોડા પાટિયા રમખાણગ્રસ્તો માટે વળતરની માગણી કરતી અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

ગુજરાત હાઇકોર્ટે ૩ર આરોપીઓમાંથી માયા કોડનાની સહિત ૧૭ લોકોને દોષમુકત જાહેર કર્યા હતા. જ્યારે ૧ર આરોપીઓની સજા યથાવત્ રાખી હતી. સાથે જ હજુ બે આરોપીઓ અંગે ચુકાદાની પ્રતીક્ષા કરાઇ રહી છે. આમાંથી એક આરોપીનું મોત થયું છે.

મંગળવારે ન્યાયમૂર્તિ એ.એન.ખાનવીલકરના વડપણ હેઠળની બેન્ચે અરજદાર આરોપીઓને અપરાધી જાહેર કરતો હાઇકોર્ટનો ચુકાદો વિવાદાસ્પદ હોવાના આધારે તેમને જામીર પર છોડવા જોઇએ. કારણ કે તેમની અપીલનો નિકાલ થતાં ઘણો સમય લાગશે. ત્રણ જામીન આદેશમાં સુપ્રીમ કોર્ટે આરોપીઓ અપરાધી ઠરાવવા માટે ગંભીર શંકા વ્યકત કરી હતી.

સુપ્રીમ કોર્ટે જામીન અરજીનો નિર્ણય કરતાં એવું નોંધ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટે પોલીસ દ્વારા આ આરોપીઓની ઓળખ પર આધાર રાખ્યો છે અને કેટલાક કેસોમાં ઓળખ પરેડ કરવામાં આવી નહોતી અને અપીલમાં ૧પ,૦૦૦ લોકોનાં ટોળાંમાં તેમની ઓળખ અંગે શંકા વ્યકત કરી છે. બેન્ચે ઉમેશભાઇ ભરવાડને જામીન આપતાં એવું જણાવ્યું હતું કે પ્રથમ દષ્ટિની રીતે હાઇકોર્ટનો અભિગમ વિવાદાસ્પદ જણાય છે.

You might also like