નરોડા, નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ, નાના ચિલોડા, રામોલને નર્મદાનું મળશે પાણી

અમદાવાદ: શહેરના ઉત્તર-પૂર્વ વિસ્તારના સરદાર પટેલ રિંગરોડને સમાંતર આવેલા નવા વિકસિત થતા નાના ચિલોડા, નરોડા, નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ તથા રામોલ વગેરે વિસ્તારોમાં આગામી દોઢેક વર્ષમાં નર્મદાનું શુદ્ધ પાણી મળતું થઈ જશે.

આગામી સોમવારે મળનારી વોટર સપ્લાય કમિટીની બેઠકમાં તંત્રના વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા ઉત્તર-પૂર્વ વિસ્તારના સરદાર પટેલ રિંગરોડને સમાંતર આવેલા નવા ડેવલપ થતા નાના ચિલોડા, નરોડા, ઓઢવ, વસ્ત્રાલ તથા રામોલ વિસ્તારોમાં નર્મદાનું શુદ્ધ સરફેસ વોટર પૂરું પાડવા અંગે દરખાસ્ત મંજૂરી માટે મુકાઈ છે.

આ દરખાસ્ત મુજબ કોતરપુર વોટર વર્ક્સ ખાતે નવા બનનાર ૩૦૦ એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સરફેસ વોટર પૂરું પાડવા માટે કોતરપુર વોટર વર્ક્સથી નાના ચિલોડા સર્કલ થઈ દાસ્તાન સર્કલ થઈ ઓઢવ રિંગરોડ ચાર રસ્તાથી વસ્ત્રાલ થઈ રામોલ-વાંચ ટોલ પ્લાઝાથી એક્સપ્રેસ હાઈવે સમાંતર રામોલ-વાંચ નજીકના રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ૨૧૦૦ મી.મી. વ્યાસની ટ્રન્ક મેઈન લાઈન સુધી રિંગરોડ સમાંતર જુદા જુદા વ્યાસની એમએસ-ડીઆઈ ટ્રન્ક લાઈન નાખવા સહિતની કામગીરી માટે રૂ.૧૫૭.૬૮ કરોડનો અંદાજ તૈયાર કરાયો છે.

આ ઉપરાંત નરોડા વોર્ડમાં વ્યાસવાડી રોડ પર બેકિંગના પ્રશ્નના નિરાકરણ માટે સ્વપ્નસૃષ્ટિ પમ્પિંગથી લક્ષ્મીવિલા ચોકડી સુધીની હયાત રાઈઝિંગ લાઈનને ૧૦૮ હેડ ક્વાર્ટર્સ સુધી લંબાવવા માટે જરૂરી મટીરિયલ તેમજ મજૂરીકામ માટે રૂ. ૨૦.૫૬ લાખનો અંદાજ, થલતેજ વોર્ડના ગામતળ વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નાખવા રૂ.૨૪.૬૭ લાખનું ટેન્ડર, મધ્ય ઝોન અને પૂર્વ ઝોનમાં આવેલા વિભિન્ન વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન ખાતે આરસીસી એપ્રોચ રોડ, ઈન્ટરબ્લોકિંગ પેવર બ્લોક લગાવવા સહિતના કામ માટે રૂ.૫૬.૭૮ લાખના અંદાજ સહિતની દરખાસ્ત તંત્ર દ્વારા તૈયાર કરીને કમિટી સમક્ષ મંજૂરી માટે મુકાઈ છે.

You might also like