દહેગામ-નરોડા હાઇવે પર ટ્રિપલ અકસ્માતઃ ત્રણનાં મોત

અમદાવાદ: દહેગામ-નરોડા હાઇવે પર મોડી રાત્રે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં ત્રણ વ્યકિતને ગંભીર ઇજાઓ થવાને કારણે ઘટનાસ્થળે મોત થયાં હતાં. જયારે છ વ્યકિતને ઇજાઓ પહોંચતાં તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે દહેગામ-નરોડા હાઇવે પર ગલુદણ પાટિયા પાસે સ્કોર્પિયો, ઇકો વાન અને રિક્ષા વચ્ચે ગઇ રાત્રે ટ્રિપલ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલ મુસાફરો પૈકી બે મહિલા અને એક પુરુષને ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મૃત્યુ પામેલ મહિલાઓ પૈકી એકનું નામ બાલુબહેન પુનાજી ઠાકોર (ઉં.વ.૪ર, રહે.એગાસણ, તા.દસ્ક્રોઇ, અમદાવાદ) હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે અન્ય એક મહિલાની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. આ અકસ્માતમાં માર્યા ગયેલા અન્ય એક પ્રતાપજી ગુગાજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલ છ મુસાફરોને ઇજા પહોંચતાં તમામને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ઇજાગ્રસ્તોમાં પ્રવીણભાઇ બાબુભાઇ મારવાડી, ભરતભાઇ જયંતીભાઇ દંતાણી, કલ્પેશ શામજીભાઇ ચૌહાણ (તમામ રહે.દહેગામ), બિનીતાબહેન રાજેન્દ્રભાઇ સોની અને શકુંતલાબહેન સુભાષચંદ્ર સોની (રહે.કપડવંજ)નો સમાવેશ થાય છે.

આ ઘટનાને પગલે દહેગામ-નરોડા હાઇવે પરનો ટ્રાફિક કલાકો સુધી જામ થઇ જતાં અનેક વાહનો અટવાઇ પડયાં હતાં અને લાંબી કતારો લાગી હતી. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ સઘન તપાસ શરૂ કરી છે.

You might also like