નરોડાના હેડ કોન્સ્ટેબલને પુત્રએ લાકડીથી ફટકાર્યા

અમદાવાદ: શહેરના નરોડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પર તેમના જ પુત્રએ લાકડીના ફટકા મારીને હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પોલીસકર્મી 3 દિવસની રજા લઇ રાજસ્થાન જતાં તેમના પુત્રએ હુમલો કર્યો હતો.
નરોડા વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ વેલોસિટીમાં રહેતા અને નરોડા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ચંદ્રસિંહ દુર્ગાસિંહ ચૌહાણે નરોડા પોલીસ સ્ટેશનમાં તેમનાં પત્ની, પુત્ર અને સાળી વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે તા. 17 જુલાઇના રોજ ચંદ્રસિંહ 3 દિવસની રજા લઇ રાજસ્થાનના રાયગઝ ભીખ ખાતેની મામલતદાર કચેરીએ રૂપિયા ભરવા માટે પોતાની ઇન્ડિકા કાર લઇને ગયા હતા. રાજસ્થાનથી પરત આવતા હતા ત્યારે ચંદ્રસિંહનો ભાણેજ કુશાલસિંહ ચૌહાણ અને સુલતાનસિંહ તથા બીજા શખ્સોએ તેમનો પીછો કર્યો હતો અને કારને રોકી પથ્થરમારો કર્યો હતો. કાર છોડીને ચંદ્રસિંહ લક્ઝરીમાં બેસી અમદાવાદ આવી ગયા હતા.

ચંદ્રસિંહનાં પત્ની પુષ્પાબહેન, પુત્ર દશરથ અને પુત્રી ઊર્મિલા છેલ્લા ઘણા સમયથી અલગ રહે છે. તા. 16 જુલાઇના રોજ મોડી રાતે પુષ્પાબહેન તેમની બહેન સંતોષી, દશરથ અને તેના બે મિત્રો સાથે ચંદ્રસિંહના મકાનમાં આવી ગયાં હતાં. 17મીના રોજ વહેલી પરોઢે ચંદ્રસિંહ ઘરે આવ્યા ત્યારે તમામ લોકોને ઘરમાં જોયા હતા. વહેલી સવારે ચંદ્રસિહે પુત્ર દશરથને અહીંયાં આવવાનું કારણ પૂછ્યું હતું, જેમાં દશરથ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને તેમના પર લાકડી વડે હુમલો કરી દીધો હતો. દશરથે લાકડીથી કરેલા હુમલામાં ચંદ્રસિહને મૂઢમાર વાગતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નરોડા પોલીસે આ ઘટનામાં ત્રણ વ્યકિતઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. નવાઈની વાત એ છે કે હેડ કોન્સ્ટેબલે ફરિયાદમાં હુમલા અંગેનું કારણ દર્શાવ્યું નથી.
http://sambhaavnews.com/

You might also like