ધર્મજ-તારાપુર હાઇવે પર માણેજ પાટિયા પાસે નરોડાના પરિવારને નડેલો અકસ્માતઃ બેનાં મોત

અમદાવાદ: શહેરનાં નરોડા વિસ્તારના કૃષ્ણનગરમાં રહેતા શાહ પરિવારને ધર્મજ-તારાપુર રોડ પર માણેજ ગામનાં પાટિયા પાસે અકસ્માત નડતાં બે વ્યકિતના ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે ચાર વ્યક્તિને ઇજા પહોંચતા તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનાની વિગત એવી છે કે, નરોડા વિસ્તારમાં કૃષ્ણનગરમાં રહેતા સૌરીનભાઇ અરવિંદભાઇ શાહ પોતાના પરિવાર સાથે નરોડાના મુકેશસિંહ વાઘેલાની ઇકો કાર ભાડે કરી પેટલાદ તાલુકાના પીપળાવ ગામે આવેલા આશાપુરાના મંદિરે તેમજ મણીલક્ષ્મી તિર્થધામ ખાતે દર્શન કરવા જવા માટે નીકળ્યા હતા.

દિવસ દરમ્યાન દેવ-દર્શન કરી આ પરિવારના સભ્યો રાત્રીના સમયે અમદાવાદ પરત આવવા રવાના થયા હતા તે દરમ્યાન ધર્મજ-તારાપુર હાઇવે પર માણેજ ગામના પ‌ાટિયા પાસેથી કાર પસાર થતી હતી ત્યારે મોડી રાત્રે સામેથી આવી રહેલી એસ.ટી. બસ સાથે કાર અથડાતા આ ગમખ્વાર ઘટના બની હતી. આ ઘટનાના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી પોલીસને આ અંગે જાણ કરી હતી.

આ અકસ્માત થતાં કારમાં બેઠેલાઓએ ચીસાચીસ કરી મૂકતા ભયની લાગણી પ્રસરી હતી. અકસ્માતમાં શાહ પરિવારના જ્યોતિબેન તથા કાર ચાલક મુકેશસિંહ વાઘેલાના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે સૌરીનભાઈ શાહ, રાજેશભાઈ શાહ, સુનપભાઈ શાહ તથા ક્રિશ્નાબેન શાહને વધત્તા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી.

તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ અકસ્માત બાદ એસ.ટી.નો ડ્રાઇવર બસ લઇ નાસી છૂટ્યો હતો. સૌરીનભાઈ શાહની ફરિયાદના આધારે પોલીસે બસના ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

You might also like