નરોડા વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધુ 25 ઇવીએમ-વીવીપેટ ખોટકાયાં

ગઇકાલે અમદાવાદ શહેર-જિલ્લામાં દિવસભર મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. જો કે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકોમાં મેડિકલ ટીમ હાજર રહેશે ધોમધમતા તાપ સામે વૃદ્ધ અને અશકત મતદારોને રક્ષણ આપવા મંડપ અને વેઇટિંગ રૂમની વ્યવસ્થા ઊભી કરાશે તેવા દાવા તો અમુક સ્થળોએ સાવ પોકળ નિવડ્યા છે. પરંતુ ઇવીએમ વીવીપેટ ખોટકાયાની ઠેરઠેરથી ફરિયાદો મળી હોવાનું જિલ્લા ચૂંટણી પંચે સ્વીકાર્યું છે. તેમાં પણ નરોડા વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધુ રપ ઇવીએમ વીવીપેટ ખોટકાયાં હતાં.

શહેર-જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં મતદારોને સમયસર વોટર સ્લિપ મળી ન હતી તો અમુક મતદારો વોટર આઇડી હોવા છતાં તેમના નામ મતદાન યાદીમાં ન હોવાના કારણે મતદાન કરી ન શકયા હતા. કેટલાક મતદાન મથક પર વૃદ્ધોની નિયમ મુજબ મતદાન કરવા માટેની અલગ હરોળ કરાઇ ન હતી. આ તો ઠીક, બપોરની ૪૩-૪૪ ડિગ્રીના ધોમધખતા તાપમાં પણ વૃદ્ધોને અન્ય મતદારો સાથે હરોળમાં ઊભા રહેવું પડ્યું હતું.

ખાસ કરીને જે તે મતદાન મથક પર મતદાનની પ્રક્રિયા દરમ્યાન ઇવીએમ-વીવીપેટ ખોટકાવાની મતદારો રોષ ભરાયા હતા. જિલ્લા ચૂંટણી પંચના ઇવીએમ-વીવીપેટ ખોટકાયાંના પ્રસિદ્ધ કરાયેલા સત્તાવાર આંકડા મુજબ નરોડા બાદ નારણપુરા વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૧૯ ફરિયાદ, વેજલપુર અને વટવામાં કુલ ૧પ ફરિયાદ નોંધાઇ હતી. ઘાટલોડિયામાં સૌથી ઓછી બે ફરિયાદ જિલ્લા ચૂંટણી પંચને મળી હતી. જ્યારે જિલ્લા ચૂંટણી પંચને શહેર-જિલ્લામાંથી ઇવીએમ-વીવીપેટ ખોટકાયાંની કુલ ર૧૧ ફરિયાદ મળી હતી.

You might also like