નર્મદા-રાજપીપળા ખાતે પહેલી આદિવાસી યુનિવર્સિટી શરૂ થશે

ગાંધીનગર: નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે બીરસા મુંડા આદિવાસી યુનિવર્સિટી સ્થાપવા અંગેનું વિધેયક આજે આદિજાતિ વિકાસ પ્રધાન ગણપતસિંહ વસાવાએ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું. આદિવાસી યુનિવર્સિટીમાં આદિજાતિની કળા, સંસ્કૃતિ, ભાષા, પરંપરાગત જ્ઞાન સંબંધી ટેકનોલોજી સહિતના ડિપ્લોમા-ડિગ્રી અભ્યાસક્રમો ભણાવાશે. આ યુનિવર્સિટી માટે આ વર્ષે રૂ.ર૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. યુનિવર્સિટીનું મુખ્ય મથક રાજપીપળા રહેશે. યુનિવર્સિટીમાં ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.

આજે ગૃહમાં ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ચર્ચા અને મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું હતું જેમાં વધુ ચાર યુનિવર્સિટીને ખાનગી યુનિવર્સિટી તરીકે સમાવવા રજૂઆત કરાઇ હતી. જેમાં અમદાવાદની એક, ગાંધીનગરની બે અને સુરતની એક યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. ઇન્દ્રશીલ યુનિવર્સિટી ધોલેરા, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ભોયણ ગાંધીનગર, કર્ણાવતી યુનિવર્સિટી ઉવારસદ, ગાંધીનગર અને પી.પી.સવાણી યુનિવર્સિટી કોસંબા-સુરતને ખાનગી યુનિવર્સિટી તરીકે જાહેર કરવા સુધારા વિધેયક બિલ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગૃહમાં રજૂ કર્યું હતું. હાલ અમદાવાદ જિલ્લામાં આઠ યુનિવર્સિટી સહિત અન્ય જિલ્લામાં કાર્યરત કુલ ર૧ ખાનગી યુનિવર્સિટી કાર્યરત છે.

ગુજરાતની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર અને ડેપ્યુટી મેયર તથા અન્ય સમિતિઓની મુદત અઢી વર્ષની હતી માત્ર જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર અને અન્ય સમિતિઓની મુદત પાંચ વષની હતી.  રાજ્યમાં તમામ કોર્પોરેશનમાં મેયર અને ડેપ્યુટી મેયરની મુદત અઢી વર્ષની રહે તે માટે સરકારે આજે વિધાનસભામાં વિધેયક પસાર કર્યું હતું.

ગુજરાતમાં ઓર્ગેનિક કલ્ચર એગ્રિકલ્ચર સાયન્સ (જૈવિક કૃષિ વિષયક વિજ્ઞાન)ના વિકાસ માટે ગાંધીનગર ખાતે યુનિવર્સિટી શરૂ કરવામાં આવશે. કૃષિ પ્રધાન ચીમનભાઇ સાપરિયાએ ગૃહમાં બિલ રજૂ કર્યું હતું. આ યુનિવર્સિટીમાં ઓર્ગેનિક કલ્ચર અંગેના ડિપ્લોમા ડિગ્રી અને ડોકટરલ અભ્યાસક્રમ ભણાવવામાં આવશે. આ યુનિવર્સિટી માટે હાલમાં ગાંધીનગર સ્થળ પસંદ કરાયું છે. જેમાં ફેરફાર થઇ શકે છે.
http://sambhaavnews.com/

You might also like