નર્મદા જયંતી દિને નદીમાં પાણી નહીં છોડાય તો સંતો ધરણાં કરશે

રાજપીપળા : નર્મદા જિલ્લામાં આવેલી પવિત્ર નર્મદા તટે નર્મદા બંધ બંધાયા પછી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતું ન હોવાથી નર્મદા નદી સાવ સુકાઇને હાડપીંજર જેવી બની છે. ખળખળ વહેતા પવિત્ર નર્મદાની દુર્દશા જોઇ નર્મદા પ્રેમી સાધુ-સંતો, શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઇ રહી છે ત્યારે નર્મદામાં પાણી છોડી નર્મદાને પુનઃ જીવીત કરવાની માંગ કરી છે.

રામાનંદ મંડલના મહંત જમનાદાસજી મહારાજ તથા ધનેશ્વર મંદિરના ધર્માચાર્ય સ્વામી સદાનંદ મહારાજના જણાવ્યા અનુસાર અમે તંત્રને અગાઉ પણ લેખિત રજૂઆત કરી નર્મદામાં પાણી છોડવા રજૂઆત કરી હતી પરંતુ તંત્રએ કોઇ કાર્યવાહી કરી નથી. તેથી ૧૪ ફેબ્રુઆરીના રોજ નર્મદા જયંતિએ પાણી નહીં છોડાય તો નર્મદા જિલ્લા સહિત સમસ્ત સાધુ-સંતો ધરણા કરી વિરોધ પ્રદર્શન કરશે.

ધર્માચાર્ય સ્વામી સદાનંદના જણાવ્યા અનુસાર નર્મદા કિનારે અનેક આશ્રમો આવેલા છે. અનેક પ્રાચીન મંદિરો આવેલા છે અહી મેળાઓ ભરાય છે ત્યારે દર્શનાર્થે લાખો શ્રધ્ધાળુઓનો માનવ મહેરામણ ઉમટે છે પરંતુ નર્મદામાં પાણી ન હોવાથી નર્મદામાં સ્નાન કરવા માટે તકલીફ પડે છે તેનાથી શ્રધ્ધાળુઓ, સાધુ સંતોની ધાર્મિક લાગણી દુભાય છે.

તો રામાનંદ મંડલના મહંત જમનાદાસજી મહારાજે જણાવ્યું હતું કે નર્મદા માતા અમારા  માટે શ્રધ્ધા, વિશ્વાસ અને આસ્થાનું કેન્દ્ર છે. હજારો શ્રધ્ધાળુઓ, સાધુ સંતો નિત્ય નર્મદા સ્નાન, જલપાન કરે છે જેથી નર્મદા પ્રદુષણ મુકત થાય વાર તહેવારે પાણી છોડવામાં આવે, નર્મદા કિનારે નવા ઘાટ નિર્માણ થાય જુના ઘાટનું સમારકામ કરાવાય તે માટે તંત્રને સજ્જ થવા અનુરોધ કરીએ છીએ.

દત્તુ મહારાજ, પૂ.સંતશિરોમણી, આત્મકૃષ્ણાનંદજી, ગીરીશાનંદજી, પૂ.ભારતીમાના, કૃપાલાનંદજી સહિત નર્મદા કિનારે આવેલા ધાર્મિક સ્થાનોના મહંતો, સાધુ-સંતોએ નર્મદામાં પાણી છોડવાની ઉગ્ર માંગ કરી છે.

You might also like