નર્મદા ડેમ અોવરફ્લોઃ પ્રવાસીઓનો ધસારો

અમદાવાદ: ૬ ઓગસ્ટ નર્મદા ડેમ ઓવર ફલો થવાની સાથે જ ડેમ ઓવર ફલો થવાના રમણીય નજારાને જોવા માટે રાજ્યભરમાંથી સહેલાણીઓ ઊમટી પડ્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી રજાના માહોલ વચ્ચે કુદરતી સૌંદર્યથી ભરપુર નર્મદા ડેમ અને તેની આસપાસના જંગલ વિસ્તારમાં ફરવા માટે ૧ લાખથી વધુ પ્રવાસીઓ ઊમટ્યા છે. મુલાકાતીનો ઘસારો હજુ પણ સતત ચાલુ છે.

જન્માષ્ટમીના તહેવારોની રજાને લઇને પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. નર્મદા વિભાગ દ્વારા ડેમ જોવા આવનારા પ્રવાસીઓના ઘસારાને પહોંચી વળવા માટે ૩ સ્પેશિયલ કાઉન્ટર પાસ ઇશ્યુ કરવા માટે ખોલાયા છે. ૬ ઓગસ્ટ ડેમ ૧રર.રપ મીટરની સપાટી પાર કરીને ઓવર ફલો થયો હતો.
ડેમ ઉપર ૩૦ દરવાજા લાગેલા હોવાથી ૩૦ અલગ અલગ ધોધનો આહ્લાદક નજારો માણવા પ્રવાસીઓ ઊમટી પડ્યા છે.

કેવડિયા કોલોની તરફ જતા રસ્તા પર વાહનોની લાંબી કતારો થઇ રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પર પાણીની આવક એક અઠવાડિયા સુધી સતત ચાલુ રહી હતી. આ નયનરમ્ય દૃશ્ય જોવા પ્રવાસીઓના સતત વધતા ઘસારાના કારણે ટ્રાફિક જામની સમસ્યા થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમ ખાતે પાંચ લાખમાં પ્રવાસીનું મોમેન્ટો સાથે સન્માન કરવામાં આવે છે. સતત બે વર્ષ પાંચ લાખમાં પ્રવાસી તરીકે અમદાવાદીઓએ સન્માન મેળવ્યું છે. અને તેમને વર્ષ ભર નર્મદા ડેમ જોવા માટે પાસ આપી ફુલહારથી સન્માન કરાય છે. આઝાદીનું પર્વ મનાવવા ૧પ ઓગસ્ટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડતા સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો હતો.

You might also like