નર્મદા ડેમ ૧૦ ફૂટથી ઓવરફ્લો

અમદાવાદ: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી ગઇ કાલે રાત્રે ૧ર૪.૮૯ મીટર પહોંચતાં ડેમ ૧૦ ફૂટથી ઓવરફલો થયો હતો. આગામી ૧૬ કલાકમાં ડેમની સપાટી ૧ર૬ મીટરની સપાટી પાર કરે તેવી શક્યતા છે. શનિવારે સવારે જ ડેમ ઓવરફલો થવાના કારણે વીકેન્ડની રજામાં ૪૦ હજારથી વધુ સહેલાણીઓએ ડેમનો નજારો માણ્યો હતો.

કેવ‌િડયા કોલોની ખાતે ગઇ કાલથી મોન્સૂન ફેસ્ટિવલ શરૂ કરાયો છે, જે આગામી એક માસ સુધી ઊજવાશે. કેવ‌િડયા કોલોનીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા જતા સહેલાણીઓને વધારાનું એક તળાવ જોવાનો લહાવો મળશે. અમદાવાદથી ૧૦૦ કિલોમીટરના અંતરે કેવ‌િડયા કોલોની પહેલાં કપુરાઇ તળાવને ટૂરિસ્ટ સ્પોટ તરીકે ડેવલપ કરાશે.

૬.પ૦ લાખ ચો.ફૂટ ક્ષેત્રફળમાં પથરાયેલા આ તળાવ પાસે રમણીય ગાર્ડન બનાવાશે. ઉપરાંત ફૂડકોર્ટ, બેઠકવ્યવસ્થા, રમત-ગમતનાં સાધનો ડેકોરે‌િટવ લાઇટિંગ, પાર્કિંગ, ફાઉન્ટેન, રાઇડ્ઝ ‌વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.
આ વર્ષે નર્મદા ડેમ પર ૩૦ દરવાજા લાગી ચૂક્યા છે. આ ૩૦ દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે, જેના કારણે એકસાથે ૬૦ ફૂટના ૩૦ ધોધ જોવા મળે છે. ગઇ કાલે અમદાવાદ, વડોદરા, સુરત, મંુંબઇ ઠેકઠેકાણેથી પ્રવાસીઓ ઊમટી પડ્યા હતા. નર્મદા ડેમ હજુ એક અઠવાડિયા કરતાં વધુ સમય માટે ઓવરફલો રહેશે.

ડેમની સપાટીના પાણીની માત્રામાં ત્રણ ગણો વધારો થતાં રિવરબેડ પાવર હાઉસના ૬ નંબરના ટર્બાઇનને પણ ચાલુ કરાતાં કુલ ૬ ટર્બાઇન વીજળી ઉત્પન્ન કરી રહ્યાં છે.  બે કાંઠે વહેતી નર્મદાના કારણે આસપાસનાં ર૩ ગામોને એલર્ટ કરાયાં છે.

You might also like