નર્મદા કેનાલમાંથી ચાર યુવાનોના મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર

અમદાવાદ: ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ચાર યુવાનોના મૃતદેહો મળી આવતાં ભારે ચકચાર જાગી હતી. આ ચાર મૃતદેહમાંથી માત્ર એક જ યુવાનની ઓળખવિધિ થઈ હતી. જ્યારે અન્ય ત્રણ યુવાનોની કોઈ ઓળખ થવા પામી નથી. પોલીસે આ અંગે ગુના દાખલ કરી સઘન તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે ગાંધીનગર જિલ્લાના ઝુંડાલ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ૨૨ વર્ષના વયના યુવાનનો બરમુડો અને ટીશર્ટ પહેરેલો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં લોકોનાં ટોળેટોળાં કેનાલ પાસે ભેગાં થયાં હતાં. આ જ સ્થળેથી પણ ૪૦ વર્ષના વયના એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે સુઘડ ગામ નજીકની કેનાલમાંથી ૩૫ વર્ષીય યુવાનનો એક મૃતદેહ મળી આવતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઈ કાર્યવાહી શરૂ કરી હતી.

આ ઉપરાંત હરિપુરા ગામ પાસેથી નર્મદાની મુખ્ય કેનાલમાંથી પણ ૨૫ વર્ષના એક યુવાનનો મૃતદેહ મળી આવતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં આ યુવાન દેત્રોજ તાલુકાના સિહોર ગામનો ગિરીશ કરસનભાઈ પરમાર હોવાનું જાણ‍વા મળ્યું હતું. તપાસ દરમિયાન એવી પણ માહિતી મળી હતી કે આ યુવાન કેનાલ ફૂલહાર સહિતનો પૂજાપો પધરાવતો હતો ત્યારે પગ લપસવાથી તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.  પોલીસે ઉપરોક્ત વણઓળખાયેલા ત્રણ યુવાનોના મૃતદેહને પીએમ માટે મોકલી આપી તેમનાં સગાંઓની શોધખોળ શરૂ કરી છે.

You might also like