નર્મદા કેનાલના બ્રિજ પર ચાલુ બસે કૂદકો મારી પરિણીતાનો આપઘાત

અમદાવાદ: કડીના બલાસર નજીકથી પસાર થતી નર્મદા કેનાલના બ્રિજ પર ચાલુ બસે એક પરિણીતાએ કૂદકો મારી જીવન ટુંકાવી નાખતાં આ ઘટનાએ અરેરાટી જન્માવી છે. પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે માંડલ તાલુકાના જાલીસણા ગામે રહેતા રમેશજી ભલાજીની પત્ની સોમીબહેન જાલીસણાથી એસ.ટી. બસમાં બેસી કડીના સુજાતપુર રોડ પર આવેલા તેના પિયર ચંડીગઢ જવા નીકળી હતી. બસ દેત્રોજ રોડ પરથી કડી તરફ જઇ રહી હતી ત્યારે નર્મદા કેનાલના બ્રિજ પરથી આ પરિણીતાએ અચાનક જ ચાલુ બસે કૂદકો માર્યો હતો. પરિણીતા જમીન પર પટકાતાં તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

બસના ડ્રાઇવર-કંડકટરે ગંભીરપણે ઘવાયેલી આ મહિલાને તાત્કાલીક કડીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી પરંતુ સારવાર મળતા પહેલાં જ તેનું મોત થયું હતું. આ પરિણીતાના આપઘાત કરવા પાછળનું કોઇ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળી શક્યું નથી.
http://sambhaavnews.com/#myCarousel

You might also like