રાજીનામું પાછું ખેંચ્યું છે, પણ ખોડલ ધામ ટ્રસ્ટમાંથી નિવૃત્તિ ઈચ્છું છું: નરેશ પટેલ

અમદાવાદ: ખોડલધામ ટ્રસ્ટના આજીવન ચેરમેન નરેશ પટેલે ચેરમેનપદેથી આપેલા રાજીનામા અને રાજીનામું પાછું ખેંચી લેવાના સમગ્ર ઘટનાક્રમ બાદ તેઓ આજે પહેલીવાર જાહેરમાં આવ્યા હતા. નરેશ પટેલે આજે મીડિયા સમક્ષ આવીને જણાવ્યું હતું કે હજુ પણ હું ટ્રસ્ટમાંથી નિવૃત્તિ ઇચ્છું છું. જેેથી બીજાને શીખવાનો ચાન્સ મળે.

તેમણે કબૂલાત કરી હતી કે સમગ્ર ઘટના ઉતાવળમાં બની હતી. મારા અંગત કારણોસર અને મારી અતિ વ્યસ્તતાને કારણે મેં રાજીનામું આપ્યું હતું, પરંતુ ત્યાર બાદ સમાજમાંથી મારા પર ખૂબ જ દબાણ આવતાં મેં રાજીનામું પાછું ખેંચ્યું છે. અત્યારે હું ખોડલધામ ટ્રસ્ટની સાથે છું.

મારાથી જે ભૂલ થઇ હતી તે મેં સ્વીકારી છે. મેં ઉતાવળ કરી હતી. સાથે સાથે તેમણે વધુમાં કહ્યું હતું કે હાલના પ્રમુખ પરેશ ગજેરા સાથે મારે કોઇ જ સમસ્યા નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે મેં વડીલ ટ્રસ્ટી હંસરાજભાઇ ગજેરાને વિનંતી કરી છે કે એક કમિટી બનાવવામાં આવે અને તેમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે ટ્રસ્ટનું ઇન્વોલ્વમેન્ટ કેટલું હોય તે નક્કી થવું જોઇએ.

You might also like