ખોડલધામના ચેરમેનપદેથી અાપેલું રાજીનામુ નરેશ પટેલે પાછું ખેંચ્યું

અમદાવાદ: લેઉઆ પાટીદાર સમાજની આસ્થા સમાન ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનપદેથી ગઇ કાલે રાત્રે નરેશ પટેલના રાજીનામાને પગલે લેઉઆ પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. પરંતુ પાટીદાર વડીલો ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોની સમજાવટના પગલે નરેશ પટેલે તેમનું રાજીનામું પાછું ખેંચી લેતાં ઘીના ઠામમાં ઘી પડ્યું હોવાની લાગણી સાથે સમગ્ર સમાજે રાહતની લાગણી અનુભવી છે.

નરેશ પટેલના રાજીનામાના સમાચાર મળતાં ગઇ કાલથી પાટીદાર આગેવાનો, હોદ્દેદારો, મહિલા હોદ્દેદારો અને વિદ્યાર્થી સંગઠનોએ કાગવડ તરફ દોટ મૂકી હતી. આજે સવારથી કાગવડ ખાતે મળેલી ટ્રસ્ટી મંડળની બેઠકમાં આ મુદ્દો ચર્ચાયો હતો નરેશ પટેલને રાજીનામું પાછું ખેંચી લેવા સમજાવવામાં આવ્યા હતા. વડીલો અને ટ્રસ્ટીઓની લાગણીને માન આપી નરેશ પટેલે રાજીનામું પાછું ખેંચી લીધું છે. સાથે સાથે ખોડલધામ પ્રમુખ ગજેરાએ સત્તાવાર જાહેરાત કરી હતી કે અમો અને નરેશભાઇ સાથે મળી વધુ ખુલાસા કરીશું.ખોડલધામમાં કોઇ વાદ અને વિવાદ નથી.

સમગ્ર લેઉઆ પાટીદાર સમાજમાં નરેશ પટેલના મુદ્દે ખળખળાટ મચ્યો હતો. એક તબક્કે નરેશ પટેલના રાજીનામાની ચર્ચાના પગલે જૂનાગઢ-ધોરાજી રાજકોટ ગોંડલ સહિતના સૌરાષ્ટ્રના આગેવાનોએ પણ રાજીનામાં આપી દીધાં હતાં. જોકે હવે તેઓને પણ તેમનાં રાજીનામાં પરત ખેંચી લેવા સમજાવી લેવાયા છે. ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાએ ભાજપને સમર્થન આપ્યું હોવાની વાતના પગલે નરેશ પટેલે નારાજગીના ભાગરૂપે રાજીનામું ધરી દીધું હોવાની વાત ચર્ચાઇ રહી હતી.

નરેશ પટેલનાં રાજીનામાને લઇને વિદ્યાર્થી સંગઠનોમાં આક્રોશનો માહોલ છવાયો હતો. પાટીદાર વિદ્યાર્થી સંગઠન અને યુવાઓ નેરશ પટેલના સમર્થમાં પરેશ ગજેરાનું રાજીનામું માગી રહ્યા હતા. એ મુદ્દે આંદોલન છેડવાની ચીમકી પણ આપી દીધી હતી. જોકે પરેશ ગજેરાએ કહ્યું હતું મારું બેકગ્રાઉન્ડ કોંગ્રેસનું છે હું કોંગ્રેસ પક્ષનો કોર્પોરેટર રહી ચુક્યો છું.

એક તબક્કે આજે પાસ કન્વીનર હાર્દિક પટેલે પણ આ ઘટનામાં ઝંપલાવી ટ્વિટ કર્યું હતું કે ‘ખોડલધામ ટ્રસ્ટમાં કેટલાક ટ્રસ્ટીઓના ભગવાકરણના કારણે નારાજ નરેશ પટેલે રાજીનામું આપ્યું છે. નરેશભાઇ મૌન છે પણ હકીકત સાચી છે. ખાનગી સૂત્રો અને સમાજના મુખ્ય આગેવાનો આ સત્યના સૂર સાથે સહમત છે નરેશભાઇ સાથે દગો કરાયો છે.’

You might also like