મોદી કેબિનેટનું વિસ્તરણઃ ગુજરાતના ત્રણ સહિત ૧૯ નવા ચહેરાને સ્થાન

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૮ મહિનાના લાંબા સમય ગાળા બાદ પોતાના કેબિનેટની આજે પુનર્રચના કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ રાજ્યોમાંથી ૧૯ નવા ચહેરાઓને સ્થાન આપ્યું હતું. ગુજરાતમાંથી પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને જશવંતસિંહ ભાભોરને સ્થાન આપવામાં આવ્યું છે. શપથ સમરોહ પહેલા ગુજરાતના મોહન કુંડારિયાએ કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન પદેથી અને મનસુખ વસાવાએ આદિજાતિ કેન્દ્રીય વિકાસ રાજ્ય પ્રધાન પદેથી રાજીનામાં આપ્યાં હતાં. તેમને નવા પ્રધાન મંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આજના પ્રધાન મંડળ વિસ્તરણમાં ૧૯ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવતા મોદીના કેબિનેટમાં પ્રધાનોની સંખ્યા ૮૩ની થઈ છે. આજે કેબિનેટની પુનર્રચનામાં પ્રકાશ જાવડેકર અને એસ.એસ. અહલુવાલિયાને કેબિનેટ પ્રધાન તરીકે બઢતી આપવામાં આવી હતી.

શપથગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના આગમન બાદ રાષ્ટ્રગીત બાદ શપગ્રહણ સમારોહ શરૂ થયો હતો. સૌ પહેલા પ્રકાશ જાવડેકરે શપથ લીધા હતા. તેમને કેબિનેટ પ્રધાન તરીકે બઢતી આપવામાં આવી છે. મધ્ય પ્રદેશના સાંસદ ફગનસિંહ કુલસ્તેએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

દાર્જિલિંગના સાંસદ એસ.એસ. અહલુવાલિયાએ પણ પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ વાજપેયી સરકાર દરમિયાન પણ પ્રધાન રહી ચૂક્યા હતા. કર્ણાટકના મોટા નેતા રમેશ ચંદપ્પાએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા. શિવસેનાના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન અનંત ગીતે શપથ સમારોહમાં હાજર રહ્યા હતા.

ત્યાર બાદ રમેશ જિગાજિગાનીએ રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમના પછી રાજ્યસભાના સાંસદ વિજય ગોયલે  પણ શપથ ગ્રહણ કર્યા હતા. ઉત્તર પ્રદેશમાંથી મહેન્દ્રનાથ પાંડે, અનુપ્રિયા પટેલ અને ક્રિશ્ના રાવે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે ઉત્તરાખંડમાં અજય ટમ્ટાએ કેબિનેટ કક્ષાના પ્રધાન શપથ ગ્રહણ કર્યા હતા.

ત્યાર બાદ રામદાસ આઠવલેએ પણ શપથગ્રહણ કર્યા હતા. આ ઉપરાંત આસામના રાજન ગોહેન, મધ્ય પ્રદેશના અનિલ માધવ દવે, ગુજરાતના પુરુષોત્તમ રૂપાલા, જશવંતસિંહ ભાભોર અને મનસુખ માંડવિયા, ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા એમ.જે. અકબરે પણ રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા. બીકાનેરના સાંસદ અર્જુનરામ મેઘવાલે પણ રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા. એમ.જે. અકબરે અંગ્રેજીમાં શપથ લીધા હતા. રાજસ્થાનના પાલીના પી.પી. ચૌધરીએ પણ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૮ મહિના બાદ પોતાના કેબિનેટનું વિસ્તરણ કર્યું હતું. આ અગાઉ મે ૨૦૧૪માં તેમની સરકાર રચાયા બાદ તેમણે નવેમ્બર ૨૦૧૪માં પોતાના કેબિનેટમાં ફેરફાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭ જુલાઈએ આફ્રિકાના ચાર દેશોની મુલાકાતે જઈ રહ્યા છે તે પહેલા તેમણે આજે પોતાના કેબિનેટની મોટા પાયે પુનર્રચના કરી હતી. શપથ સમારોહમાં કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ હાજર રહી શક્યા ન હતા, કારણ કે તેઓ હંગેરીના પ્રધાનો સાથેની બેઠકમાં વ્યસ્ત હતા. બીકાનેરના સાંસદ અર્જુન મેઘવાલ સાઈકલ પર શપથગ્રહણ સમારોહ સ્થળે પહોંચ્યા હતા.

કેન્દ્રીય ગૃહ, નાણાં, સંરક્ષણ અને વિદેશ મંત્રાલયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. વડા પ્રધાન મોદીએ કેબિનેટની પુનર્રચના કરતા પહેલા આખરી દોરના મનોમંથનમાં સોમવારે આરએસએસ સાથે ચર્ચા કર્યા બાદ તેમણે ભાજપના પ્રમુખ અમિત શાહ અને નાણાપ્રધાન અરુણ જેટલી સાથે પણ કેબિનેટ પુનર્રચના અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ૧૯ નવા ચહેરાની યાદીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

You might also like