મિશન NSG: મોદી તાશ્કંદમાં જિનપિંગ અને પુ‌તિનને મળશે

નવી દિલ્હી: ભારતને ન્યુક્લિયર સપ્લાયર ગ્રૂપ (એનએસજી)માં એન્ટ્રી અપાવવા માટેના પ્રયાસો પુરજોશમાં ચાલી રહ્યા છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાશ્કંદમાં શંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન (એસજીઓ)ની બેઠકમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુ‌િતનને મળશે અને મિશન એનએસજી માટે તેમને મનાવીને તેમનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરશે.

આજે મોદી શી જિનપિંગ સાથે અને આવતી કાલે વ્લાદીમીર પુ‌િતન સાથે બેઠક કરશે. બીજી બાજુુ સિયોલમાં આજથી શરૂ થઇ રહેલ એનએસજી પ્લેનરીની મિટિંગમાં વિદેશ સચિવ એસ.જયશંકર ભારતના દાવાની મજબૂત રજૂઆત કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા બાદ હવે ફ્રાન્સે પણ એનએસજીમાં ભારતના સભ્યપદના દાવાને સમર્થન આપી દીધું છે. ફ્રાન્સના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે‌ ભારતની ચારેય ગ્રૂપ (એનએસજી, એમટીસીઆર, ઓસ્ટ્રેલિયા ગ્રૂપ અને વેસેનાર એરેન્જમેન્ટ)માં એન્ટ્રી માટે સપોર્ટ કરીશું. પરમાણુ અપ્રસાર માટે આ જરૂરી છે.

ચીન ભારતની એનએસજીમાં એન્ટ્રીનો વિરોધ કરી રહ્યું છે, પરંતુ સાથે સાથે એવું પણ કહી રહ્યું છે કે નિયમોના આધારે આગળ વધશે અને ભારતના સભ્યપદને લઇને તેનું વલણ સકારાત્મક રહેશે. આમ, હવે એનએસજીમાં ભારતની એન્ટ્રીના મામલે ચીન પણ કૂણું પડ્યું હોય તેમ લાગી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું હતું કે એનએસજી સભ્યોમાં નોન-એનપીટી દેશોના પ્રવેશને લઇને અલગ અલગ મત પ્રવર્તે છે અને તેથી આ મુદ્દે અમારે ચર્ચા કરવી પડશે.

રશિયા, બ્રિટન અને અમેરિકા પછી ફ્રાન્સ સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો ચોથો દેશ છે, જેેણે અન્ય તમામ દેશોને ભારતના સમર્થનમાં મત આપવા અપીલ કરી છે. ભારતીય છાવણીનું માનવંુ છે કે રપ રાષ્ટ્ર સંપૂર્ણપણે ભારતની સાથે છે. જ્યારે અન્ય ર૩ રાષ્ટ્રએ પોતાનાં પત્તાં ખોલ્યાં નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે રાષ્ટ્રએ હજુ સુધી પોતાનાં પત્તાં ખોલ્યાં નથી તેમાંથી પાંચ કે છને બાદ કરતાં તમામ રાષ્ટ્ર ભારતની તરફેણમાં મતદાન કરશે. આજે મોદી શી જિનપિંગ સાથે એનએસજી સહિતના મુદ્દાઓ પર દ્વિપક્ષીય ચર્ચાઓ કરશે.

You might also like